ભુજની પીસીવી મહેતા હાઈસ્કૂલમાં "જાહેરમાં બોલવાની કળા" વિષયક વ્યાખ્યાન યોજાયું
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ વિકાસ અને અસરકારક અભિવ્યક્તિ કેળવવાના હેતુથી કરાયું આયોજન
ભુજ : પી.સી.વી. મહેતા સાર્વજનિક હાઈસ્કૂલ, ભુજ ખાતે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ વિકાસ અને અસરકારક અભિવ્યક્તિનો વિકાસ થાય તેવા હેતુથી "જાહેરમાં બોલવાની કળા" વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આકાશવાણીના જાણીતા વક્તા, નાટ્ય કલાકાર તેમજ છેલ્લા ૩૫ વર્ષથી રંગભૂમિ સાથે સંકળાયેલા અને આશરે ૨૦૦૦ જેટલા શેરી નાટકો દ્વારા સામાજિક જાગૃતિના કાર્યમાં સક્રિય મનોજભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ડો. ચેતનભાઈ આઈ. બારમેડાના માર્ગદર્શન હેઠળ બી.એડ.ના તાલીમાર્થીઓ પરિતા પાતળિયા, જાનવી ગેડિયા, નંદનીબા જાડેજા અને મગી રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો રમેશભાઈ મતિયા, દિનેશભાઈ પાનસરા અને દુષ્યંતભાઈ વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી વાડીલાલભાઈ સાવલા, પંકજભાઈ મહેતા, સંદીપભાઈ દોશી, હશ્મિબેન દોશી તથા જયભાઈ મહેતાએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન બી.એડ.ના તાલીમાર્થીઓ તથા આચાર્ય ડો. ચેતનભાઈ આઈ. બારમેડાએ મુખ્ય વક્તા મનોજભાઈ સોનીને પ્રતીકચિહ્ન અર્પણ કરી સન્માનિત કર્યા હતા. પોતાના ઉદ્બોધનમાં શ્રી મનોજભાઈ સોનીએ વિદ્યાર્થીઓને મંચ પર બોલતી વખતે અનુભવાતી ગભરામણ દૂર કરવાના ઉપાયો, આત્મવિશ્વાસ વધારવાની રીતો, અસરકારક રજૂઆત, અવાજનો યોગ્ય ઉપયોગ, શરીરની ભાષા તથા સંવાદ કૌશલ્ય વિશે સરળ અને રસપ્રદ રીતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં સફળતા મેળવવા માટે વક્તૃત્વ કળા અત્યંત મહત્વપૂર્ણ છે અને તેના વિકાસથી વ્યક્તિત્વમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવે છે. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ડો. ચેતનભાઈ આઈ. બારમેડાએ સમગ્ર શાળા પરિવાર વતી મુખ્ય વક્તા મનોજભાઈ સોનીનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક બન્યો હતો.
--

Comments