Trending News
સ્થાનિક સમાચાર

ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સુરક્ષા પરિસંવાદ યોજાયો

09 July



સુરક્ષિત સવારી એ જ દેશની સમજદારીના સૂત્ર સાથે સગીર વયે વાહન ન ચલાવવા અને માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા વિદ્યાર્થીઓને કરાયા જાગૃત

ભુજ - કચ્છ ઉદય : કેમ્પ ખાતે મેન્ટલ હોસ્પિટલ નજીક આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સુરક્ષા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કચેરી, ભુજના વરિષ્ઠ લિપિક તથા જાણીતા સામાજિક કાર્યકર એમ. આઈ. બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં ધોરણ ૮થી ૧૨ના આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્સિપાલ રેવ. ફાધર જોસી કાલાયિલ દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના સંકલનકર્તા શ્રી એમ. આઈ. બાયડે ઉપસ્થિત મહાનુભાવોની ઓળખાણ કરાવી પરિસંવાદની રૂપરેખા રજૂ કરી હતી. પ્રિન્સિપાલ રેવ. ફાધર જોસી કાલાયિલે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્તનું મહત્વ સમજાવતાં ટ્રાફિકના નિયમોને રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.ભુજ શહેર ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. બી. લાખણોત્રાએ રોજિંદા જીવનમાં ઊભી થતી ટ્રાફિકની સમસ્યાઓ, ચાર રસ્તા પરના ટ્રાફિક સંકેતો તેમજ માર્ગ ઓળંગતી વખતે રાખવાની સાવચેતીઓ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું.
ભુજ પ્રાદેશિક પરિવહન કચેરીના નિરીક્ષક અંકિત પટેલે લર્નિંગ લાયસન્સ અને કાયમી વાહનચાલક પરવાનો મેળવવાની ઓનલાઈન પ્રક્રિયા, હેલ્મેટ અને સીટબેલ્ટની ફરજિયાતતા તેમજ નવા મોટર વાહન અધિનિયમની જોગવાઈઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. વી. જોષીએ માર્ગ અકસ્માતોના આંકડા તથા તેના મુખ્ય કારણો જેવા કે વધુ ઝડપે વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને સગીર વયના બાળકો વાહન ન ચલાવે તે માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જાગૃત કર્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિકના સંકેતો, વાહનચાલક પરવાના સહિતના વિવિધ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસાનું સમાધાન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકોએ બેઠક વ્યવસ્થા તથા શિસ્તનું સુંદર સંચાલન કર્યું હતું. અંતે શાળાના પ્રિન્સિપાલ રેવ. ફાધર જોસી કાલાથિલે આભારવિધિ વ્યક્ત કરી હતી અને માર્ગ સુરક્ષા અંગેનો આ પ્રેરણાદાયી પરિસંવાદ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. 
-- 

Comments

COMMENT / REPLY FROM