Trending News
સ્થાનિક સમાચાર

લુપ્ત થતા ઘોરાડ પક્ષીને બચાવવા નલિયામાં ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રયોગને મળી બીજી મોટી સફળતા

09 July


રાજસ્થાનનું ઇંડું અને કચ્છની સરોગેટ માતા




ભુજ - કચ્છઉદય : કચ્છના અબડાસા તાલુકામાં આવેલું નલિયાનું ઘાસિયા મેદાન તેના વિશિષ્ટ વાતાવરણને કારણે વિશ્વના સૌથી વજનદાર અને ઉડી શકતા પક્ષીઓમાંના એક એવા ’ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ) નું છેલ્લું આશ્રયસ્થાન માનવામાં આવે છે. વન્યજીવ ઇતિહાસમાં આ પક્ષી અત્યારે અત્યંત લુપ્તપ્રાય એટલે કે ’ક્રિટિકલી એન્ડેન્જર્ડ’ કેટેગરીમાં આવી ગયું છે. સમગ્ર ભારતમાં તેની વસ્તી માત્ર ૧૫૦ ની આસપાસ જ બચી છે, જેમાં સૌથી વધુ પક્ષીઓ રાજસ્થાનમાં છે. ગુજરાતના કચ્છમાં ઘોરાડ પક્ષીની વસ્તી ખતમ થવાના આરે પહોંચી ગઈ હતી, કારણ કે અહીંના અભયારણ્યમાં માત્ર ત્રણ માદા ઘોરાડ જ બચી હતી. આ વિસ્તારમાં એક પણ નર ઘોરાડ ન હોવાને કારણે આ માદાઓ જે ઇંડા મૂકતી હતી તે બિનફળદ્રુપ રહેતા હતા, જેમાંથી ક્યારેય બચ્ચું બહાર આવી શકે તેમ નહોતું. આ કપરી અને નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ એક અશક્ય લાગતા મિશનને પાર પાડવા માટે હાથ મિલાવ્યા હતા.
કચ્છમાં ઘોરાડની પેઢીને આગળ વધારવા માટે વૈજ્ઞાનિકોએ ’જમ્પ સ્ટાર્ટ’ નામના એક અત્યંત આધુનિક અને સંવેદનશીલ વૈજ્ઞાનિક પ્રયોગનો સહારો લીધો. આ યોજના અંતર્ગત સૌપ્રથમ રાજસ્થાનના જેસલમેર (સામ) ખાતે આવેલા કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફળદ્રુપ ઇંડું મેળવવામાં આવ્યું. આ નાજુક ઇંડાને જીવંત રાખવા માટે તેને ખાસ પોર્ટેબલ ઇન્ક્યુબેટર (મશીન) માં ગોઠવવામાં આવ્યું અને રસ્તાના ઝટકાઓથી બચાવીને ખૂબ જ સાવચેતીપૂર્વક અંદાજે ૧૯ કલાકની અવિરત મુસાફરી કરાવીને ૭૭૦ કિલોમીટર દૂર કચ્છના નલિયા સેન્ટર ખાતે લાવવામાં આવ્યું.
બીજી તરફ, નલિયાના જંગલમાં કુદરતી માળામાં બેઠેલી માદા ઘોરાડ જ્યારે વનકર્મીઓની નજર ચૂકવીને થોડીવાર માટે માળાથી દૂર ગઈ, ત્યારે વૈજ્ઞાનિકોએ તેના માળામાં રહેલું બિનફળદ્રુપ ઇંડું હટાવીને રાજસ્થાનથી લાવેલું અસલી ફળદ્રુપ ઇંડું ત્યાં ગોઠવી દીધું. માદા પક્ષી જ્યારે પાછી ફરી ત્યારે તેને આ ફેરબદલની સહેજ પણ ભાળ ન મળી અને તેણે આ ઇંડાને પોતાની મમતા આપીને કુદરતી રીતે સેવવાનું શરૂ કર્યું. વિજ્ઞાન અને કુદરતના આ અનોખા સંગમના પરિણામે વન વિભાગના સંરક્ષણ કેન્દ્રમાં વધુ એક તંદુરસ્ત બચ્ચાનો સફળતાપૂર્વક જન્મ અને ઉછેર થયો છે, જે આ પ્રયોગની બીજી મોટી સફળતા છે.
આ અગાઉ, આ જ જમ્પ સ્ટાર્ટ ટેકનિકનો ઉપયોગ કરીને ગુજરાતમાં લાંબા સમય બાદ પ્રથમ બચ્ચાનો સફળ જન્મ થયો હતો, જેની સત્તાવાર જાહેરાત ખુદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય પછી ઘોરાડના બચ્ચાનો કિલકિલાટ સંભળાયો હોવાથી આ પ્રોજેક્ટ પર આખા દેશની નજર હતી. હવે આ બીજી સફળતા મળતા પર્યાવરણવિદોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે અને એવી આશા જાગી છે કે કચ્છની ધરતી પર ફરીથી ઘોરાડ પક્ષીઓનો પગરવ ગુંજતો થશે.
જોકે, આ વૈજ્ઞાનિક સફળતાની સાથે સાથે ગ્રાઉન્ડ રિયાલિટી અને પડકારો પણ એટલા જ ગંભીર છે. જમીન પર માળો બાંધનારા આ પક્ષીઓના બચ્ચા અને ઇંડાને જંગલી બિલાડી, શિયાળ અને રખડતા કૂતરાઓ જેવા શિકારી પ્રાણીઓથી સતત જીવનું જોખમ રહે છે. આ ઉપરાંત, નલિયા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ફેલાયેલી હાઇ-વોલ્ટેજ વીજળીની લાઇનો અને પવનચક્કીઓ પણ આ પક્ષીઓ માટે કાળ સાબિત થઈ રહ્યા છે. ઘોરાડ પક્ષીઓ વજનમાં ભારે હોવાને કારણે હવામાં ઉડતી વખતે અચાનક પોતાની દિશા બદલી શકતા નથી, જેના કારણે તેઓ વીજતાર સાથે અથડાઈને મૃત્યુ પામે છે. સુપ્રીમ કોર્ટે પણ આ પક્ષીઓના સંરક્ષણ માટે વીજલાઇનો અંડરગ્રાઉન્ડ કરવાનો આદેશ આપેલો છે. આ તમામ કુદરતી અને માનવસર્જિત પડકારો વચ્ચે પણ વન વિભાગ દ્વારા કૃત્રિમ સંવર્ધન ટેકનિકથી બચ્ચાનો ઉછેર કરવો એ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક બહુ મોટી ક્રાંતિ અને સીમાચિહ્નરૂપ સિદ્ધિ સમાન છે.
----------

Comments

COMMENT / REPLY FROM