ભચાઉમાં વન વિભાગનું મેગા ઓપરેશન : ૪૦ હેક્ટર અનામત જંગલની જમીન દબાણમુક્ત
૬ ઈસમોએ ઈંટોના ભઠ્ઠા અને ઓરડીઓ બનાવી સરકારી જમીન પર જમાવ્યો હતો ગેરકાયદે કબ્જો : નોટિસ બાદ પણ દબાણ ન હટાવતા આખરે વન વિભાગ, પોલીસ અને મહેસૂલ તંત્રએ સંયુક્ત કાર્યવાહી કરી બુલડોઝર ફેરવ્યું
ભચાઉ - કચ્છઉદય : કચ્છ પૂર્વ વન વિભાગ હેઠળ આવતી ભચાઉ રેન્જમાં સરકારી અનામત જંગલની કરોડોની કિંમતની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું એક મોટું ઓપરેશન વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. આ વ્યાપક ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા આશરે ૪૦ હેક્ટર જેટલી વિશાળ સરકારી જમીનને ભૂમાફિયાઓ અને દબાણકારોના પંજામાંથી મુક્ત કરાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ભચાઉ વન રેન્જ હેઠળ મોજે ભચાઉ ગામના સર્વે નંબર ૨૦૦૦/૨૧૨/૨ ની સેક્શન ૨૦ હેઠળની રીઝર્વ ફોરેસ્ટ એટલે કે અનામત જંગલ તરીકે જાહેર થયેલી જમીન પર મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. ભચાઉના જ ૬ જેટલા સ્થાનિક ઈસમો દ્વારા વન વિભાગની આ પ્રતિબંધિત અનામત જંગલની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દેવામાં આવ્યો હતો. આ તત્વો દ્વારા જમીન પર ઈંટો બનાવવા માટેના મોટા-મોટા ભઠ્ઠા શરૂ કરી દેવાયા હતા, તેમજ ત્યાં કામ કરતા મજૂરો અને લેબરોને રાખવા માટે પાકા અને કાચા મકાનો તથા ઓરડીઓનું પણ અનધિકૃત બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિ અને દબાણ બાબતે વન વિભાગ દ્વારા અગાઉથી જ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ભચાઉ રેન્જ ઓફિસ તરફથી આશરે એક મહિના પહેલા જ તમામ દબાણકારોને કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી અને જમીનની માલિકી અંગેના પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. જો કે, આ ઈસમો દ્વારા કોઈ પણ પ્રકારના વહીવટી કે કાયદાકીય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ન હતા, જેથી વન વિભાગે તેમની સામે ગુનો દાખલ કરી ત્વરિત દબાણ ખાલી કરવા આદેશ કર્યો હતો. વારંવારની લેખિત અને મૌખિક નોટિસો તેમજ પૂરતી તક આપવા છતાં પણ દબાણકારો દ્વારા સ્વેચ્છાએ આ જગ્યા પરથી કબ્જો હટાવવામાં આવ્યો ન હતો.આખરે દબાણકારોની સામે તંત્રએ લાલ આંખ કરી હતી અને ગુરુવાર, ૯ જુલાઈના રોજ કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ, કચ્છ પૂર્વ પોલીસ ડિવિઝન તેમજ સ્થાનિક મહેસૂલ તંત્ર દ્વારા એક સંયુક્ત મેગા ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચેલા વહીવટી તંત્રે બુલડોઝર ફેરવીને તમામ ગેરકાયદેસર ભઠ્ઠા અને ઓરડીઓ જમીનદોસ્ત કરી દીધા હતા અને અંદાજિત ૪૦ હેક્ટર જેટલી જમીન સંપૂર્ણપણે ખાલી કરાવી લીધી હતી.
----------

Comments