Trending News
સ્થાનિક સમાચાર

ખનીજ - માટી - તેલચોરી મા ગાંધીનગરથી ગુનેગારો કચ્છમા ઉતરી પડવાનું કારણ શું ?

09 July



કચ્છની નબળી પોલીસ કે નબળા અધિકારી ?


કચ્છ ગુનેગારોનું સોફ્ટ ટાર્ગેટ બન્યું? ગાંધીનગરથી જોડાતા તારોએ ઊભા કર્યા સવાલો :ખનીજ ચોરી બાદ હવે તેલ ચોરીમાં પણ ગાંધીનગર કનેક્શન, કચ્છ કેમ નિશાન પર?

કચ્છ ગુનેગારો માટે સરળ નિશાન કેમ? ગાંધીનગરથી ખનીજ ચોરીથી લઈને તેલ ચોરી સુધીના તાર જોડાતા ઉઠ્યા સવાલો


ભુજ / ગાંધીધામ- કચ્છઉદય  : કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવેલા મોટા ગુનાઓમાં રાજ્યના અન્ય વિસ્તારો, ખાસ કરીને ગાંધીનગર સાથે જોડાયેલા આરોપીઓના નામ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. અગાઉ અબડાસા વિસ્તારમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરીના કેસમાં ગાંધીનગર સુધી તાર જોડાયા હતા, જ્યારે હવે મુન્દ્રા વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદે કનેક્શન કરીને તેલ ચોરીના કાવતરામાં પણ ગાંધીનગરથી એક આરોપીની ધરપકડ થતાં ચર્ચા તેજ બની છે.આ પ્રકારના ગંભીર અને આયોજનબદ્ધ ગુનાઓમાં બહારના જિલ્લાઓના શખ્સો કચ્છને જ કેમ પસંદ કરે છે? શું કચ્છ તેમને સરળ નિશાન લાગે છે? શું વિશાળ ભૌગોલિક વિસ્તાર, ઔદ્યોગિક માળખું અને સરહદી વિસ્તારનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે? કે પછી સ્થાનિક તંત્રની કામગીરી અંગે ગુનેગારોમાં કોઈ ખોટી ધારણા વિકસી રહી છે? આવા અનેક પ્રશ્નો હવે જાહેર ચર્ચાનો વિષય બન્યા છે.ખનીજ ચોરી, તેલ ચોરી, કુદરતી સંપત્તિની લૂંટ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓના તત્વો કચ્છમાં આવી આયોજનબદ્ધ રીતે ગુનાઓ આચરે છે, તે ચિંતાજનક બાબત છે. આવા ગુનાઓ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કચ્છ જેવા વ્યૂહાત્મક અને ઔદ્યોગિક મહત્વ ધરાવતા જિલ્લામાં આવા ગંભીર કાવતરાઓ સામે માત્ર આરોપીઓની ધરપકડ 
પૂરતી નથી, પરંતુ તેમના સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો, સ્થાનિક સંપર્કો અને માસ્ટરમાઇન્ડ સુધી પહોંચીને કડક કાર્યવાહી કરવી સમયની માંગ બની છે.



.............


અબડાસામાં ખનીજ અને માટી ચોરીના કેસ હોય કે....

કચ્છમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન સામે આવેલા મોટા ગુનાઓમાં રાજ્યના અન્ય વિસ્તારો, ખાસ કરીને ગાંધીનગર સાથે જોડાયેલા આરોપીઓના નામ તપાસ દરમિયાન સામે આવતાં અનેક પ્રશ્નો ચર્ચામાં આવ્યા છે. અબડાસામાં ખનીજ અને માટી ચોરીના કેસ હોય કે તાજેતરમાં મુન્દ્રા વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદે કનેક્શન કરી તેલ ચોરીના કાવતરાનો મામલો, બંનેમાં ગાંધીનગર સાથે જોડાયેલા આરોપીઓ સામે આવતાં લોકોમાં ચર્ચા જાગી છે.


.
.................


ગૃહમંત્રી શ્રી સંઘવી-ડીજીપીશ્રી મલિક કરાવે ઉંડી તપાસ


ગાંધીધામ : કચ્છમાં ખનીજચોરી હોય કે માટીચોરી કે પછી હવે આ તેલચોરીની ગંભીર ઘટનાનો ખુલાસો થવા પામી ગયો છે અને તેમાં ગાંધીનગરના શખ્સોની સંડોવણી ખુલવા પામી રહી છે. કચ્છમાં હકીકતમાં આવા બહારના તત્વો ગંભીર આયોજનબદ્ધપૂર્વકના કાવતરાઓની ઘટનાઓને અંજામ આપવાની હિમંત લાવે છે કયાથી? કયા કારણોસર આવા ગુનાઓને ગાંધીનગરના શખ્સો અંજામ આપવા કચ્છમાં ઉતરી પડે છે? રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ડીજીપી શ્રી મલિક સાહેબ આ બાબતે કચ્છમાં ફાવી જતા કે પછી ઉતરી પડતા ગુનેગારો પાછળના કારણોની ઘનિષ્ઠ તપાસ કરાવે તે જરૂરી બની રહ્યુ છે.


..............

મુન્દ્રાથી પાણીપત પાઈપલાઈન કાપી ડીઝલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ

ગુનેગારો સામે રાષ્ટ્ર દ્રોહનો જ ગુનો કરો દાખલ : શું સામજીની સામે ગુજરાત સિવાય અન્ય રાજયોમાં પણ તેલચોરીના ગુન્હા દાખલ થયેલા છે? જો તપાસ કરવામાં આવશે તો નવા કઈક કડાકા ભડાકા થશે


તેલચરો ટોળકી અહીથી જોખમી રીતે તેલચોરી કરીને આપવાના કોને હતા?  : ચોરાઉ તેલ ખરીદનારાઓ સુધી તપાસનો રેલો લંબાવો?


ઝડપાયેલ સામજી નામના શખ્સનાલ્યો કડક રીમાન્ડ : અગાઉ આડેસર પાસે પણ થયેલ આવી જ તેલચોરીના દેશદ્રોહ સમાન પાઈપલાઈન તેલચોરીમાં સામજીની શું ભુમિકા હતી?



ગાંધીધામઃ મુન્દ્રાથી પાણીપત સુધી જતી આઈ.ઓ. સી. એલ. ની ડીઝલ પાઈપલાઈનમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર સાત આરોપીઓને ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આરોપીઓએ ચૂડવા સીમ વિસ્તારમાં જમીનમાં ખોદકામ કરી પાઈપલાઈન સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંપનીની એલાર્મ સિસ્ટમ સક્રિય થતાં સુરક્ષા કર્મચારીઓ સ્થળે પહોંચી જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ 
પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઈપલાઈન એક્ટ અને જાહેર મિલકત નુકસાન નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. ઘટનાસ્થળેથી હથોડી, પાવડા, ત્રિકમ, તગારાં, સેણી અને તાડપત્રી સહિતના સાધનો કબજે લેવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે આરોપીઓને સાદરા (ગાંધીનગર), એકને પાટણ અને ચારને ગાંધીધામમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. 
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં સલીમ અનવર શેખ, અનવરહુસેન યાકુબ શેખ, મહંમદરફીક અનવરહુસેન શેખ, કપિલદેવસિંહ રાજપૂત, સામજીભાઈ જેરુ, ચકાભાઈ રાઠોડ અને રાહુલ નિનામાનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું છે કે કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ પાઈપલાઈન ચોરી, જુગાર અને પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. હાલ આ ટોળકીના અન્ય સાગરીતો તથા અગાઉના સમાન ગુનાઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Comments

COMMENT / REPLY FROM