ભુજમાં ૧.૧૧ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
‘મ્યુલ હન્ટ’ ઓપરેશનમાં ભુજ સાયબર સેલની કાર્યવાહી : દેશભરના ૨૧૬ પીડિતોના નાણાં ભુજની કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના ખાતામાં જમા થયા
ભુજ - કચ્છઉદય : રાજ્યભરમાં સાયબર ગુનાઓ સામે ચલાવવામાં આવી રહેલા ‘મ્યુલ હન્ટ’ ઓપરેશન હેઠળ પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ સેલે ભુજમાં કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ભુજમાં હોસ્પિટલ રોડ સ્થિત ‘ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક’ના એક ખાતામાં દેશભરના ૨૧૬ સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી રૂ. ૧,૧૧,૭૬,૭૯૫ની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું છે.સાયબર ક્રાઈમ સેલના પોલીસ કર્મચારી કિરપાલસિંહ પ્રતાપસિંહ સિંધવે નોંધાવેલી ફરિયાદ મુજબ સ્ટેટ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા સંચાલિત ‘સમન્વય પોર્ટલ’ પર ઉપલબ્ધ માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં બેંકનું એક શંકાસ્પદ ખાતું સામે આવ્યું, જેમાં વિવિધ સાયબર છેતરપિંડીના નાણાં જમા થતા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખાતાધારકે સાયબર ગુનામાં મેળવાયેલા નાણાં પોતાના ખાતામાં સ્વીકારી અન્ય આરોપીઓને ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી અને તે બદલ આર્થિક લાભ મેળવ્યો હતો. આ પ્રકારના ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ ગુનાહિત નાણાંની હેરફેર માટે કરવામાં આવે છે. આ ગુનો ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૮ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન આચરાયો હોવાનું નોંધાયું છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આ ખાતા સામે કુલ ૨૧૬ ફરિયાદો નોંધાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે આરોપી ખાતાધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર અશોકકુમાર મકવાણાને સોંપવામાં આવી છે. પોલીસે આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે.

Comments