ગાંધીધામમાં યંત્રથી ચાલતા હાઈટેક ડીજિટલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી ?
સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ : પન્ટરોમાં ફફડાટ : ખેલીઓમાં દોડધામ
સપનાનગરના રહેણાંક મકાનમાં યુક્તિપૂર્વક ચાલતા અડ્ડા પર ગાંધીનગર વિજિલન્સનો સફળ દરોડોઃ સ્થાનિક ખાખીધારીઓની કામગીરી સામે ઉઠ્યા સવાલો
ગાંધીધામઃ“પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ધમધમતા અસામાજિક દૂષણો પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલઆંખ કરી હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે. ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અત્યંત ગુપ્ત અને યુક્તિપૂર્વક ચલાવવામાં આવી રહેલા યંત્ર સંચાલિત (ઇલેક્ટ્રોનિક/ડિજિટલ) જુગારના અડ્ડા પર વિજિલન્સની ટુકડીએ અચાનક ત્રાટકીને દરોડો પાડતાં સ્થાનિક પોલીસ બેડા સહિત જુગારી તત્વોમાં ભારે દોડધામ અને ફફડાટ મચી જવા પામ્યો છે. સપનાનગરમાં રહેણાંક મકાનની આડમાં ટેક્નોલોજીના સહારે ધમધમતા આ જુગારધામની ચોક્કસ વિગતો અને બાતમી છેક ગાંધીનગર વિજિલન્સ સુધી પહોંચી ગઈ અને તેમણે અહીં સફળ રેડ પણ કરી પાડી હોવાની ચર્ચા છે ત્યારે સ્થાનિક પોલીસ આ હાઈટેક અડ્ડાથી કેમ અજાણ હતી? સ્થાનિક ખાખીધારીઓ આવા પ્રકારના અસામાજિક દૂષણો સામે કેમ લાલઆંખ નથી કરી શકતી? તેવા અનેક તીખા સવાલો હવે જાગૃત નાગરિકોમાં ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. એસએમસીની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને આ આખી કાર્યવાહી પાર પાડતા સ્થાનિકજુગારના અડ્ડા ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા બાદ મોડી રાત સુધી સ્થાનિક સ્તરે કાયદેસરની કાર્યવાહી અને પંચનામાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. આ હાઈટેક જુગારનો અડ્ડો કોણ ચલાવી રહ્યું હતું? કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી? રેડ દરમિયાન કેટલા પન્ટરો પકડાયા અને કેટલા મુદ્દામાલની રિકવરી કરવામાં આવી છે, તે અંગેની સત્તાવાર વિગતો પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

Comments