કચ્છના કસ્ટમ વિભાગમાં મોટો ફેરફાર : કંડલા-મુન્દ્રા પોર્ટ પર નવા આસી.કમિશનરોની નિમણૂક
સેન્ટ્રલ જીએસટીના ૧૧ અધિકારીઓની આંતરિક બદલી : કચ્છના મહત્વના પોર્ટ પર ગોઠવાયું વહીવટી તંત્ર : વિવાદિત અધિકારીનું પોસ્ટિંગ ચર્ચામાં
કેટલાક વગદાર અધિકારીઓ પોતાની પસંદગીના આધારે મુન્દ્રા કસ્ટમ અને જામનગર કસ્ટમ પ્રિવેન્ટિવ જેવી મલાઈદાર અને મહત્વની ગણાતી જગ્યાઓ પર પોસ્ટિંગ મેળવવામાં સફળ રહ્યા
ગાંધીધામ - કચ્છઉદય :“અમદાવાદ કસ્ટમ ઝોનના પ્રિન્સિપલ ચીફ કમિશનરની કચેરી હેઠળ વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ જીએસટીના ૯ આસિસ્ટન્ટ
કમિશનર અને ૨ ડેપ્યુટી કમિશનર મળી કુલ ૧૧ ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરાયા છે, જેમાં કચ્છના આર્થિક રીતે અતિ મહત્વના ગણાતા મુન્દ્રા અને કંડલા કસ્ટમ કમિશનરેટમાં નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ બદલીના સત્તાવાર આદેશ અનુસાર, મુન્દ્રા કસ્ટમ ખાતે આસિસ્ટન્ટ કમિશનર અનુજા અનંત મુસળે તથા સુનિલકુમાર જૈનને મુકવામાં આવ્યા છે. જ્યારે કંડલા કસ્ટમ ખાતે આસિસ્ટન્ટ કમિશનર નિયતિ વિષ્ણુ એસ.ની બદલી કરવામાં આવી છે. બદલી પામેલા તમામ અધિકારીઓને ટૂંક જ સમયમાં વિગતવાર પોસ્ટિંગ ઓર્ડર એનાયત કરવામાં આવશે. વિભાગીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, કેટલાક વગદાર અધિકારીઓ પોતાની પસંદગીના આધારે મુન્દ્રા કસ્ટમ અને જામનગર કસ્ટમ પ્રિવેન્ટિવ જેવી મલાઈદાર અને મહત્વની ગણાતી જગ્યાઓ પર પોસ્ટિંગ મેળવવામાં સફળ રહ્યા છે.
......................
અન્ય બદલીઓ અને વિવાદિત નિમણૂક
ગાધીધામ : આ આદેશ હેઠળ અન્ય અધિકારીઓમાં આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી, રેણુકા ચૌધરી, માધુરી ભાનુદાસ ગરુડ અને શંભુનાથ સિંહની અમદાવાદ કસ્ટમમાં બદલી કરાઈ છે. રંજન રક્ષિતને પ્રિન્સિપલ ચીફ કમિશનરની કચેરી ખાતે તેમજ ઇન્દ્રજીત સોલંકી અને ધીરેન્દ્ર ચૌધરીની જામનગર કસ્ટમ પ્રિવેન્ટિવમાં નિમણૂક કરવામાં આવી છે.જોકે, આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા અમદાવાદ કસ્ટમમાં મુકાયેલા એક આસિસ્ટન્ટ કમિશનરને લઈને થઈ રહી છે. વર્ષ ૨૦૨૨માં આ અધિકારી સામે આવક કરતાં વધુ સંપત્તિ (ડીએ કેસ) ધરાવવાનો ગુનો નોંધાયો હતો અને સીબીઆઈએ તેમના અમદાવાદ નિવાસે દરોડા પણ પાડ્યા હતા. આ હાઈપ્રોફાઈલ કેસ હાલ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યો હોવા છતાં, આવા ગંભીર આરોપોવાળા અધિકારીને મહત્વનું પોસ્ટિંગ અપાતા કસ્ટમ અને જીએસટી વિભાગમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.

Comments