Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા તાલુકામાં સોલાર પ્રોજેક્ટની કામગીરી સામે ૧૧ ગામોના લોકોનો ઉગ્ર વિરોધ

08 July


ગેરકાયદેસર જમીન દબાણ અને રસ્તાઓ બંધ કરાતા હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી


ભુજ - કચ્છઉદય : નખત્રાણા તાલુકાના ફુલાય જૂથ ગ્રામ પંચાયતના ૧૧ ગામોના રહેવાસીઓ દ્વારા એનટીપીસી અને હિલ્ડ એનર્જી કંપનીઓ દ્વારા થઈ રહેલી સોલાર પ્રોજેક્ટની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીને સંબોધીને અપાયેલા આ આવેદનપત્રમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા કંપનીને પ્રોજેક્ટ માટે અંદાજે ૧૨૦૦ એકર એટલે કે ૪૯૯.૬૧૬૧ હેક્ટર જમીન ૪૦ વર્ષના ભાડાપટ્ટે મંજૂર કરવામાં આવી છે, પરંતુ તેનાથી વિપરીત કંપનીઓએ ફુલાય, અંજોરીયાવાંઢ અને કિરાવાંઢ મધ્યે ૧૫૦૦ એકર તેમજ છારી, પૈયા અને તલવાંઢ વચ્ચે ૩૦૦૦ એકરથી પણ વધુ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે. કંપનીના અધિકારીઓ નિયમોની ઐસીતૈસી કરીને ડુંગરાળ વિસ્તારોમાં જેસીબી અને હીટાચી મશીનો વડે તોડફોડ કરી રહ્યા છે તથા સરકારી પડતર, પંચાયતની ગૌચર અને માલીકીની જમીનો ઉપરાંત રાજ્ય સરકારે રામસર સાઇટ તરીકે જાહેર કરેલી છારી ઢંઢ સરહદની જમીન પર પણ ગેરકાયદેસર દબાણ ઊભું કરી રહ્યા છે.સ્થાનિક રહેવાસીઓનો વધુમાં એવો પણ આક્ષેપ છે કે કંપની દ્વારા હદ નિશાન નક્કી કર્યા વગર જ મનસ્વી રીતે હજારો એકર જમીનમાં તાર ફેન્સિંગ કરી દેવાયું છે, જેના કારણે મોતીચુર, પૈયા અને કિરાવાંઢ જેવા ગામોના પરંપરાગત રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લોકોની અવરજવર ખોરવાઈ ગઈ છે. જ્યારે કોઈ ગ્રામજન આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરવા જાય છે ત્યારે કંપની તંત્ર દ્વારા પોલીસ બળનો દુરુપયોગ કરીને ગરીબ અને સ્થાનિક લોકોને ધાક-ધમકી આપવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં સ્થાનિક મશીનરી કે શ્રમિકોને રોજગારી આપવાને બદલે બહારના કોન્ટ્રાક્ટરો અને શ્રમિકોને રાખવામાં આવતા હોવાથી સ્થાનિકોમાં ભારે અન્યાયની લાગણી વ્યાપી ગઈ છે. આ ગંભીર બાબતે અત્યાર સુધી સરકારના કોઈ પણ ઓથોરાઇઝ્‌ડ અધિકારી કે ડીઆઈએલઆરના પ્રતિનિધિએ સ્થળ મુલાકાત લીધી નથી, જેના કારણે કંપનીની તાનાશાહી સતત વધી રહી છે. આ સંજોગોમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આગામી ત્રણ દિવસમાં સ્થળ તપાસ કરી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવા માંગ કરાઈ છે. જો આ સમસ્યાનો વહેલી તકે ન્યાયિક ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ નાછૂટકે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.
---------

Comments

COMMENT / REPLY FROM