Trending News
ક્રાઈમ

નખત્રાણામાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કારમાંથી ૨.૨૩ લાખનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો 

08 July


પારસનગર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પડેલી હ્યુન્ડાઈ એક્સસેન્ટ કારમાંથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ

નખત્રાણા - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાત્રિના સમયે કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફના કર્મચારીઓ ટાઉન વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહ્યા હતા, તે જ સમયે એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ જાડેજાને ખાનગી રાહે એક અત્યંત સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળી હતી કે નખત્રાણા ટાઉન વિસ્તારમાં આવેલી પારસનગર સોસાયટીના એક ખુલ્લા પ્લોટમાં સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની એક્સસેન્ટ ફોર વ્હીલ ગાડી પાર્ક કરેલી છે, જેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરેલો પડ્યો છે.આ ચોક્કસ બાતમી હકીકતના આધારે નખત્રાણા પોલીસની ટીમે તુરંત જ ઘટનાસ્થળે પહોંચીને દરોડો પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ જગ્યાએ જઈ તપાસ હાથ ધરતા ત્યાંથી જી.જે. ૦૧ ડીઝેડ ૭૪૪૫ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ કલરની હ્યુન્ડાઈ એક્સસેન્ટ કાર મળી આવી હતી. આ કારની અંદર તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની ક્ષમતાવાળા કુલ ૮૦૬ ક્વાર્ટર તેમજ બિયરના કુલ ૨૪ ટીન મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ ૮૩૦ નંગ દારૂ અને બિયરનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૨૩,૮૦૪ થાય છે તે કબજે કર્યો હતો. આ સાથે જ ગુનામાં વપરાયેલી રૂપિયા એક લાખની કિંમતની હ્યુન્ડાઈ કાર સહિત કુલ રૂપિયા ૨,૨૩,૮૦૪નો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે આ સમગ્ર જથ્થો અને વાહન કબજે કરીને નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી દારૂબંધીના કાયદા હેઠળ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. આ સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. બેગડીયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયંતીભાઈ માજીરાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, વિનોદભાઈ રાજગોર તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગમનભાઈ સુવાતર અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ મોદી જોડાયા હતા. પોલીસે આ ગુનાના સંબંધમાં વાહનના ચાલક અને અન્ય સંડોવાયેલા આરોપીઓની વિગતો મેળવી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
-------- 

Comments

COMMENT / REPLY FROM