Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન મહિનામાં સર્જ્‌યો નવો કીર્તિમાનઃ કુલ આવક ૭૬૭ કરોડને પાર

08 July


મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશના નેતૃત્વમાં માલવહન, પાર્સલ વ્યવસાય અને ટિકિટ ચેકિંગ સહિતના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાસલ કરાઈ


અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન ૨૦૨૬ દરમિયાન વાણિજ્યિક ક્ષેત્રે અપ્રતિમ સફળતા મેળવીને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના કુશળ નેતૃત્વ હેઠળ રેલવેએ માલવહન, પાર્સલ બિઝનેસ, બિન-ભાડા આવક, મુસાફર સુવિધાઓ અને ટિકિટ ચેકિંગ અભિયાનોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન મંડળને ૬૦૬.૪૩ કરોડની સર્વાધિક માસિક માલવહન આવક સાથે કુલ ૭૬૭.૦૧ કરોડની ભવ્ય આવક થઈ છે, જે રેલવેના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કરે છે.
માલવહન ક્ષેત્રે અમદાવાદ મંડળે ચાલુ નાણાકીય વર્ષની સૌથી મોટી માસિક આવક નોંધાવી છે. જૂન મહિનાની માલવહન આવક નિર્ધારિત લક્ષ્ય કરતાં ૩.૬૦ ટકા અને ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૧૩.૫૯ ટકા વધુ રહી છે. એટલું જ નહીં, પરંતુ ગત ૩૦ જૂનના રોજ માત્ર એક જ દિવસમાં ૨૬.૫૮ કરોડની આવક મેળવીને મંડળે એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. બીજી તરફ, પાર્સલ વ્યવસાયમાં પણ ગત વર્ષની સાપેક્ષે ૭.૬૫ ટકાનો વધારો નોંધાયો છે, જેમાં કુલ ૬.૧૯ કરોડની કમાણી થઈ છે. આ સિઝનમાં ભુજથી બાંદ્રા ટર્મિનસ સુધી ૨૨ ટન કેરીનો જથ્થો રેલવે મારફતે મોકલીને માત્ર એક જ દિવસમાં ૧.૨૬ લાખની નોંધપાત્ર આવક ઊભી કરવામાં આવી હતી.મુસાફરોની સુવિધા અને યાત્રી વ્યવસાયમાં પણ મંડળ અગ્રેસર રહ્યું છે. જૂન મહિનામાં ૧૪૫.૫૮ કરોડની યાત્રી આવક પ્રાપ્ત થઈ છે. ઉનાળાની ઋતુમાં મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા ૬૭ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત, નિયમિત ટ્રેનોમાં ૧૨૨ જેટલા વધારાના કોચ જોડવામાં આવ્યા હતા, જેનાથી અંદાજે ૯૭ હજાર જેટલા મુસાફરોને સીધો લાભ મળ્યો હતો અને રેલવેની આવકમાં ૧૦.૩૩ કરોડનો વધારો થયો હતો. રેલવે સ્ટેશનો પર ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને રેલ કર્મચારીઓ અને સ્વયંસેવક સંસ્થાઓના સહયોગથી સામાન્ય શ્રેણીના મુસાફરો માટે ઠંડા પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.રેલવે પ્રશાસને ટિકિટ વગર મુસાફરી કરનારાઓ અને ગંદકી ફેલાવનારાઓ સામે પણ કડક ઝુંબેશ ચલાવી હતી. ટિકિટ ચેકિંગ અભિયાન દ્વારા રેલવેને ૨.૭૦ કરોડની આવક થઈ હતી, જે ગત વર્ષ કરતાં ૨૩.૨૯ ટકા વધુ છે. તે જ રીતે, સ્વચ્છતા અભિયાન હેઠળ સ્ટેશન પરિસરમાં કચરો ફેંકનારા ૧૨૩૦ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ૨.૨૦ લાખનો દંડ વસૂલ કરાયો હતો. બિન-ભાડા આવકની નવી પહેલ અંતર્ગત, કાંકરિયા ગુડ્‌સ શેડ ખાતે પેઇડ પાર્કિંગ અને ફ્રેઇટ એલાઇડ સર્વિસિસ માટે ૭ વર્ષનો ૨૦.૭૩ કરોડનો કરાર કરવામાં આવ્યો છે, જ્યારે તમામ નોન-પ્રીમિયમ ટ્રેનોમાં ટ્રેન સાઇડ વેન્ડિંગ માટે ૩ વર્ષનો ૩.૭૧કરોડનો કરાર અપાયો છે. આ ઉપરાંત, ટ્રેન હેડરેસ્ટ કવર પર જાહેરાતો દ્વારા ૦.૫૭ કરોડની કમાણી થઈ છે અને અમદાવાદ સ્ટેશન પર મુસાફરોના સામાનની સુરક્ષા માટે આધુનિક ડિજિટલ લગેજ લોકરની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.
------ 

Comments

COMMENT / REPLY FROM