અમદાવાદ મંડળે ચોમાસા દરમિયાન સુરક્ષિત રેલ સંચાલન માટેની તૈયારીઓની કરી સમીક્ષા
મુસાફરોની સુરક્ષા અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ પર ભાર મૂકાયો
અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ચોમાસા દરમિયાન મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ રેલ સંચાલનને સુરક્ષિત અને સુચારુ રાખવાના હેતુથી અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશની અધ્યક્ષતામાં મંડળ ખાતે ચોમાસાની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે રેલવે બોર્ડના પૂર્વ સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અનિલ કુમાર ખંડેલવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મંડળના વરિષ્ઠ અધિકારીઓ, ચોમાસા વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના વડાઓ તેમજ મંડળના તમામ સિનિયર સેક્શન એન્જિનિયર્સ (વર્ક્સ) વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ચોમાસા દરમિયાન ઊભી થઈ શકતી સંભવિત પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે અમદાવાદ મંડળે ચોમાસા દરમિયાન સુરક્ષિત અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. ચોમાસા પૂર્વે રેલવે ટ્રેક, પુલો, ડ્રેનો અને કલવટોનું નિરીક્ષણ તથા સફાઈ કરવામાં આવે છે. સ્ટેશનો અને યાર્ડોમાં પાણી ભરાઈ ન જાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંભવિત જોખમ ધરાવતા પુલો પર ૨૪ કલાક સતત નજર રાખવામાં આવે છે અને જરૂરિયાત મુજબ સાવચેતી સૂચના જારી કરવામાં આવે છે. ઉપરાંત, સ્ટેશનના શેડ, છતો તથા વિવિધ ઉપકરણોની પણ નિયમિત તપાસ કરવામાં આવે છે.ચોમાસા દરમિયાન સુરક્ષિત અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મંડળ દ્વારા વ્યાપક સ્તરે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ૧૩૨ કિલોમીટર લંબાઈની સાઇડ ડ્રેનોની સફાઈ કરવામાં આવી છે તેમજ ૧૯૦ સ્થળોએ વૃક્ષોની કાપણી અને ટ્રિમિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવા માટે આરયુબી સ્થળોએ ૨૬૦ પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે.પૂર અથવા અન્ય કુદરતી આપત્તિની સ્થિતિમાં રેલ સેવાઓને ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય તે માટે જરૂરી સામગ્રી અગાઉથી જ વ્યૂહાત્મક સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ગાંધીધામ ખાતે ૨૦ વેગન બેલાસ્ટ તેમજ ૧૦ વેગન ક્વારી ડસ્ટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.બેઠકમાં ચોમાસાની તૈયારીઓ અંતર્ગત પાણીના નિકાલની વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો ભાર મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે પાણી ભરાવાની સ્થિતિ ટાળવા માટે સાઇડ ડ્રેન, કૅચ વોટર ડ્રેન, ક્રોસ ડ્રેન તેમજ સ્ટેશન યાર્ડની ડ્રેનોની નિયમિત અને વ્યવસ્થિત સફાઈ સુનિશ્ચિત કરવામાં આવે. ટ્રેકની સ્થિરતા જાળવવા તેમજ સિગ્નલિંગ સિસ્ટમની વિશ્વસનીયતા માટે આ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ છે.સંવેદનશીલ સ્થળોની ઓળખ કરીને ત્યાં વિશેષ દેખરેખ અને ગુણવત્તાયુક્ત નિરીક્ષણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોને સમયસર વધુ મજબૂત બનાવી શકાય. ઉપરાંત, રેલવે યાર્ડોમાં સિગ્નલ ફેલ્યોર જેવી પરિસ્થિતિઓને ટાળવા માટે એન્જિનિયરિંગ, સિગ્નલ અને દૂરસંચાર, વિદ્યુત તથા ઓપરેશન સહિતના વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સમન્વય સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. રેલવેને અસર કરી શકે તેવા જળાશયો પર સતત નજર રાખવા માટે સ્થાનિક વહીવટીતંત્ર તથા ગ્રામ પંચાયતના સરપંચો સાથે નિયમિત સમન્વય જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી સંભવિત જોખમોની સમયસર જાણકારી મેળવી જરૂરી કાર્યવાહી કરી શકાય. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે સંવેદનશીલ સ્થળોએ ચોમાસા માટેનો અનામત સામાન તેમજ ઇમરજન્સી રિસ્ટોરેશન ઇક્વિપમેન્ટ પૂરતી માત્રામાં ઉપલબ્ધ રાખવા અને જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
--------

Comments