આડેસરમાં કુખ્યાત ગુનેગારો ના દબાણ પર તંત્રનું બૂલડોઝર ચાલ્યું
કલેક્ટર અનિલ રાનાવસિયા અને પૂર્વ કચ્છ પોલીસના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
ગાંધીધામ : કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઉભું કરનાર હિસ્ટ્રીશીટર સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારની સૂચના મુજબ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટરો દ્વારા સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.આડેસરના અમીર અયુબ હિગોરજા (મૂળ વિજાપર, હાલ આડેસર) સામે હત્યા, આર્મ્સ એક્ટ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટર અનિલ રાનાવસિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર મામલતદાર એચ.બી. વાઘેલા, આડેસર પીઆઈ જે.બી. આચાર્ય તેમજ પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમની હાજરીમાં લાખો રૂપિયાની સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

Comments