ભુજ સૈનિક કલ્યાણ કચેરીમાંથી સિવિલ પટ્ટાવાળાને તાત્કાલિક છૂટા કરવા રજૂઆત
કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા પાઠવાયું આવેદનપત્ર
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, અમદાવાદને એક અતિ ગંભીર પત્ર પાઠવીને ભુજ સ્થિત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા સિવિલ પટાવાળાને તાત્કાલિક ધોરણે છૂટા કરવા માંગ કરવામાં આવી છે. કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હીની ગાઈડલાઈન અનુસાર સૈનિક કચેરીઓમાં આઉટસોર્સિંગની સેવાઓ માટે માત્ર પૂર્વ સૈનિકો અથવા તેમના પરિવારજનોની જ નિમણૂક કરવાનો કડક હુકમ હોવા છતાં, ભુજ કચેરીમાં હજુ સુધી સિવિલ પટાવાળાને છૂટા કરાયા નથી. કચ્છ સરહદી જિલ્લો હોવાથી દેશની સુરક્ષા અને નિવૃત સૈનિકોના અત્યંત ગુપ્ત તથા સંવેદનશીલ દસ્તાવેજો પાકિસ્તાન જેવા દુશ્મન દેશના હાથમાં ન પહોંચે તે માટે આ પગલું અનિવાર્ય હોવાનું જણાવાયું છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે સિવિલ પટાવાળા પાસે ઓફિસની ચાવીઓ રહે છે અને તે કમ્પ્યુટર પર નિવૃત સૈનિકોની પર્સનલ પ્રોફાઈલ તેમજ ગુપ્ત માહિતીઓ જોતો હોવા છતાં સ્થાનિક ઇન્ચાર્જ અધિકારી દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી આ સમગ્ર બાબતની ઉચ્ચ સ્તરે ગંભીરતાથી તપાસ કરી જવાબદારો સામે કાયદેસરનાં પગલાં ભરવા ગૃહ મંત્રી અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ રજુઆત કરવામાં આવી છે.
------

Comments