Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા સ્થિત અદાણી કોપરને લંડન મેટલ એક્સચેન્જનું વૈશ્વિક પ્રમાણપત્ર મળ્યું 

07 July


ભારતીય ધાતુ ઉદ્યોગ માટે ઐતિહાસિક સિદ્ધિ : આગામી ૧૦ જુલાઈથી એલએમઇ વારંટ જારી કરવા માટે પાત્ર બનશે


મુન્દ્રા - કચ્છઉદય : અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને અદાણી ગ્રૂપના મેટલ્સ અને માઇનિંગ પોર્ટફોલિયોનો હિસ્સો ધરાવતી કચ્છ કોપર લિમિટેડ દ્વારા એક મોટી વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કંપનીની બ્રાન્ડ અદાણી કોપરને લંડન મેટલ એક્સચેન્જ એટલે કે એલએમઇ ખાતે બ્રાન્ડ રજીસ્ટ્રેશન મળી ગયું છે. ઔદ્યોગિક ધાતુઓના વેપાર માટેના વિશ્વના આ સર્વોચ્ચ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી કચ્છ કોપર લિમિટેડની ઉત્પાદન ઉત્કૃષ્ટતા અને વૈશ્વિક માપદંડો અનુસાર જવાબદારીપૂર્વકના સોર્સિંગની પદ્ધતિઓને પ્રમાણિત કરે છે. આ પ્રમાણપત્ર મળવાને કારણે અદાણી કોપરના ગ્રેડ-એ કેથોડ્‌સ આગામી ૧૦ જુલાઈ ૨૦૨૬થી એલએમઇ કોપર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્‌સ સામે ડિલિવરી માટે પાત્ર બનશે અને તેના માટેના વારંટ ઇશ્યૂ કરી શકાશે.મુન્દ્રા ખાતે વાર્ષિક ૦.૫ મિલિયન ટનની ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન કસ્ટમ કોપર સ્મેલ્ટર કાર્યરત કરીને કચ્છ કોપર લિમિટેડ શુદ્ધ તાંબાના વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદક તરીકે ઉભરી આવી છે. લંડન મેટલ એક્સચેન્જ દ્વારા અદાણી કોપરને ગુડ ડિલિવરી બ્રાન્ડ તરીકે સ્થાન મળવાથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી વિશ્વસનીયતા સાંપડશે. આ સિદ્ધિ અંગે અદાણી એન્ટરપ્રાઇઝના નેચરલ રિસોર્સિસના સીઇઓ અને કચ્છ કોપર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશના જણાવ્યા અનુસાર, તાંબુ એ વૈશ્વિક ઉર્જા સંક્રમણનો મુખ્ય આધાર સ્તંભ છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા અદાણી કોપરની વૈશ્વિક સ્વીકાર્યતામાં વધારો કરશે અને તે ભારતના ધાતુ ઉદ્યોગના કદને વધારવાની સાથે શુદ્ધ તાંબાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.લંડન મેટલ એક્સચેન્જનું બ્રાન્ડ સર્ટિફિકેશન મેળવવાની પ્રક્રિયા અત્યંત કડક હોય છે, જેમાં કેમિકલ કમ્પોઝિશન, આકાર અને વજનની સાથે સોર્સિંગના કડક પ્રોટોકોલનું પાલન કરવાનું હોય છે. એલએમઇ લિસ્ટિંગના કારણે અદાણી કોપરના પાત્ર કેથોડ્‌સને માન્યતા પ્રાપ્ત વેરહાઉસમાં વારંટ પર મૂકી શકાશે, જેનાથી ધિરાણ મેળવવાની સુવિધામાં પણ ફ્લેક્સિબિલિટી મળશે કારણ કે લિસ્ટેડ મેટલને ઉચ્ચ પ્રવાહી સંપત્તિ ગણીને તેને કોલેટરલ તરીકે વાપરી શકાય છે. બીજી તરફ એલએમઇ માટે પણ એક અગ્રણી પ્રોડક્શન હબમાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેથોડ મળવાના કારણે વૈશ્વિક કોપર માર્કેટમાં ભૌગોલિક વિવિધતા અને લિક્વિડિટી વધુ મજબૂત બનશે.
અદાણી ગ્રૂપનો આ આધુનિક પ્લાન્ટ ૧.૨ બિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે અદ્યતન ટેકનોલોજી, ઓટોમેશન અને સસ્ટેનેબિલિટીના સિદ્ધાંતો સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દેશની આયાતી તાંબા પરની નિર્ભરતા ઘટાડશે અને વીજળીકરણ, પુનઃપ્રાપ્ય ઉર્જા તેમજ ઉર્જા સંક્રમણના આ યુગમાં ભારતના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ જે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે, તેણે હંમેશાથી રાષ્ટ્રનિર્માણમાં ફાળો આપતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ વિકસાવ્યા છે. અદાણી પોર્ટ્‌સ, ગ્રીન એનર્જી અને ટોટલ ગેસ જેવા સફળ વ્યવસાયો બાદ, કંપની હવે તેના આગામી વ્યૂહાત્મક રોકાણો હેઠળ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, એરપોર્ટ મેનેજમેન્ટ, ડેટા સેન્ટર, રોડ પ્રોજેક્ટ્‌સની સાથે સાથે કોપર અને પેટ્રોકેમિકલ્સ જેવા પ્રાથમિક ઉદ્યોગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
----------- 

 

Comments

COMMENT / REPLY FROM