Trending News
સ્થાનિક સમાચાર

કામધેનુ યુનિવર્સિટીના સ્થાપના દિવસે કચ્છના પશુપાલકોનું સન્માન અને સંવાદ 

07 July



ભુજ-કચ્છઉદય : કામધેનુ યુનિવર્સિટીના ૧૮માં સ્થાપના દિવસ નિમિત્તે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજ ખાતે રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમાના સહયોગથી "કચ્છના પરંપરાગત પશુસારવાર જ્ઞાન વિષે સંવાદ, સંવર્ધન અને સન્માન" વિષયક એક દિવસીયજ્ઞાનગોષ્ઠિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કચ્છ જિલ્લો પશુપાલન આધારિત અર્થતંત્ર ધરાવતો પ્રદેશ છે, જ્યાં માલધારીઓ અને પશુપાલકો દ્વારા પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાગત પશુચિકિત્સા પદ્ધતિઓ અને સ્થાનિક ઔષધીય વનસ્પતિઓ દ્વારા પશુઓની સારવાર કરવામાં આવે છે. આ અમૂલ્ય પરંપરાગત જ્ઞાનના દસ્તાવેજીકરણ, સંવર્ધન અને વૈજ્ઞાનિક અભ્યાસના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહાવિદ્યાલયના આચાર્ય ડો.એચ. બી. પટેલ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મનોજભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં કચ્છના પરંપરાગત પશુ સારવાર જ્ઞાનના સંરક્ષણ અને તેને આગામી પેઢી સુધી પહોંચાડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગૌપ્રેમી પરબતભાઈ ગોરસીયા અને ગૌસેવક અને પરંપરાગત ગૌ સંવર્ધનના જ્ઞાની મેઘજીભાઈ હિરાણીએ પરંપરાગત પશુચિકિત્સાનું મહત્વ સમજાવ્યું હતું. આ જ્ઞાન ગોષ્ઠિમાં કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલા માલધારીઓ અને પશુપાલકોએ પોતાના અનુભવો અને સ્થાનિક વનસ્પતિઓના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પશુચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પરંપરાગત જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ વચ્ચે સેતુ રચવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પરંપરાગત પશુ સારવાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પશુપાલકો અને પરંપરાગત વૈદ્યોનું સ્મૃતિચિહ્ન અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આશરે ૫૦થી વધુ પશુપાલક ખેડૂતો, માલધારીઓ, સ્થાનિક વૈદ્યો તેમજ કોલેજના ૫૦ જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને આયોજન ડૉ. ડી. જે. કામોઠી અને ડો. એચ. બી. નળીયાપરા દ્વારા કરવામાં આવ્યું હતું.
--------

Comments

COMMENT / REPLY FROM