ભુજના પુત્ર કૂણાલ મહેતાની મેલબર્નમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમા મેલબર્ન મિટ્સ મોદી (એમ ૩) કાર્યક્રમમાં ગાશે ભારતીય રાષ્ટ્રગાન
ભુજ - કચ્છઉદય : કચ્છ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ભુજના વતની અને છેલ્લા ૧૮ વર્ષથી ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્થાયી થયેલા કૂણાલ મહેતાની પસંદગી ૯ જુલાઈના રોજ મેલબર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે યોજાનારા ભવ્ય મેલબર્ન મિટ્સ મોદી (એમ ૩) કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રગાન રજૂ કરવા માટે કરવામાં આવી છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનારા આ ઐતિહાસિક કાર્યક્રમમાં સમગ્ર ઓસ્ટ્રેલિયામાંથી ભારતીય મૂળના આશરે ૩૮ હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી છે, જ્યારે હજારો ભારતીય-ઓસ્ટ્રેલિયન આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. બંને દેશોના વડાપ્રધાનો અને હજારો ભારતીયોની ઉપસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રગાન ગાવાની તક કોઈપણ ગાયક માટે અત્યંત ગૌરવની અને દુર્લભ સિદ્ધિ માનવામાં આવે છે.કૂણાલ મહેતા નિવૃત્ત શિક્ષણ નિરીક્ષક નિષદભાઈ મહેતા અને નિવૃત્ત શિક્ષિકા નિરુપમાબેન મહેતાના પુત્ર છે. તેમણે ભુજની પ્રતિષ્ઠિત વી.ડી. હાઈસ્કૂલમાં પોતાનું પ્રાથમિક અને શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. બાળપણથી જ સંગીત પ્રત્યેનો તેમનો ઝુકાવ આજે તેમને આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ ગયો છે. વ્યવસાયે કૂણાલ મહેતા મેલબર્નની એક જાહેર હોસ્પિટલમાં બ્લડ કેન્સર ક્લિનિકલ ટ્રાયલ્સ ક્ષેત્રે કાર્યરત છે. બીજી તરફ, સંગીત તેમની ઓળખ અને જીવનનો અભિન્ન ભાગ છે. મેલબર્નના ભારતીય સમાજમાં તેઓ જાણીતા ગાયક તરીકે લોકપ્રિય છે અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની સુરીલી રજૂઆતો દ્વારા આગવી ઓળખ ઉભી કરી છે.
કચ્છની ધરતી પરથી શરૂ થયેલી તેમની સફર આજે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે, જે સમગ્ર કચ્છ અને ગુજરાત માટે ગર્વની બાબત છે. કૂણાલ મહેતાની આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે પ્રતિભા, મહેનત અને સમર્પણથી વિશ્વના કોઈપણ ખૂણે રહીને પણ પોતાના વતન અને દેશનું ગૌરવ વધારી શકાય છે. ૯ જુલાઈના રોજ મેલબર્નમાં જ્યારે હજારો ભારતીયોની હાજરીમાં કૂણાલ મહેતાના કંઠે ભારતીય રાષ્ટ્રગાન ગુંજશે, ત્યારે તે માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને વિશ્વભરના ભારતીયો માટે ગૌરવ અને દેશભક્તિની એક અવિસ્મરણીય ક્ષણ બની રહેશે.આ અવસરે ઝવેરીલાલ સોનેજી, ડો મધુકાન્ત આચાર્ય, નૈષેધભાઈ મહેતા, ગૌતમભાઈ જોશી, અભિલાષભાઈ મહેતા, પ્રદીપભાઈ જોશી, અને તરૂણ કોન્ઢીયાએ મહેતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
------

Comments