Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ઓવરલોડ પરિવહન મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશોની પણ અવગણના

07 July



સુરજબારી ટોલનાકે ઓવરલોડ વાહનોને મેમો આપવાનું શરૂ કરાતા કરી હતી દાદાગીરી : કચ્છના અન્ય ટોલનાકા પર ભારે વાહનોને મેમો આપવાનું શરૂ કરાય તો રસ્તાની ગુણવતા ખરાબ થતી અટકે : કચ્છમાં જ્યાં પણ ટોલનાકા છે ત્યાં વજન માપવાના મશીન આવેલ હોવા છતાં....


ભુજ - કચ્છઉદય : કચ્છમાં ઓવરલોડ વાહનોનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવા અનેક વખત સ્પષ્ટ સૂચનાઓ આપી હોવા છતાં જિલ્લામાં ભારે વાહનો ધમધોકાર દોડી રહ્યા છે. કાયદાના ખુલ્લેઆમ ભંગ છતાં પોલીસ, આરટીઓ અને સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
તાજેતરમાં કચ્છના પ્રવેશદ્વાર એવા સૂરજબારી ટોલ પ્લાઝા પર ઓવરલોડ વાહનચાલકોએ વધારાનો ટોલ વસૂલાતનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. ટોલ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી બાદ વાહનો રસ્તા પર જ ઉભા રાખી દેતાં કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો શાંત થયો, પરંતુ સમગ્ર ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જ્યારે ટોલ પ્લાઝાના વે-ઇન-મોશન (વે બ્રિજ) પર વાહન ઓવરલોડ હોવાનું સ્પષ્ટ થઈ જાય છે અને વધારાનો ટોલ પણ વસૂલવામાં આવે છે, ત્યારે તે જ વાહન સામે આરટીઓ કે પોલીસ દ્વારા 
કાયદેસરની કાર્યવાહી કેમ થતી નથી ? શું વધારાનો ટોલ ભરવાથી ઓવરલોડની મંજૂરી મળી જાય છે ? લોકોમાં આવી ચર્ચાઓ હવે ખુલ્લેઆમ થઈ રહી છે. કચ્છમાં ખનિજ, સિમેન્ટ, મીઠું, કોલસો અને ઔદ્યોગિક માલસામાનનું મોટા પાયે પરિવહન થાય છે.  પરિણામે ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે. પરંતુ અનેક ટ્રકો ક્ષમતા કરતાં વધુ માલસામાન ભરીને દોડતા હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે. ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ સમય પહેલાં જ તૂટી જાય છે, પુલ અને માર્ગોની ક્ષમતા પર ભાર વધે છે અને સામાન્ય વાહનચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાય છે. સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોનું કહેવું છે કે લાંબા સમયથી ઓવરલોડ વાહનો સામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે. જો ક્યારેક દંડ વસૂલવામાં આવે તો તેની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. પરિણામે ઓવરલોડનું દૂષણ અટકવાનું નામ જ લેતું નથી. ભીરંડીયારા, કુકમા, મોખા, અંગીયા સહિતના ટોલનાકા પર આવા કેમેરા લગાવવામાં આવે તે જરૂરી છે. કારણ કે ભુજ - ખાવડા હોય કે ભુજ - અંજાર રસ્તો હાલમાં ઓવરલોડના કારણે તુટી ગયો છે. અહીં કેમેરા લગાવી ભારે વાહનોને દંડ આપવામાં આવે તે જરૂરી છે.


.....................

વધારાનો ટોલ ભરવાથી ઓવરલોડ વાહનને કાયદેસર છૂટ મળી જાય છે

માહિતી મુજબ, આરટીઓ વિભાગે તાજેતરમાં ઓવરલોડ વાહનો સામેની કાર્યવાહીના આંકડામાં ઘટાડાનું કારણ પરિવહનમાં ઘટાડો અને ડીઝલની સ્થિતિને ગણાવ્યું છે. જોકે સામાન્ય લોકો આ દલીલથી સંતુષ્ટ નથી. તેમનું માનવું છે કે જો ટોલ પ્લાઝા પર ઓવરલોડ વાહનની ઓળખ થઈ શકે છે તો પછી કાયદા મુજબ તેની સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. કચ્છમાં અનેક વખત લોકો રસ્તા પર ઊતરી ઓવરલોડ વાહનોનો વિરોધ કરી ચૂક્યા છે. છતાં સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી. હવે લોકો માંગ કરી રહ્યા છે કે ટોલ પ્લાઝા, આરટીઓ અને પોલીસ વચ્ચે સંકલન વધારી ઓવરલોડ વાહનો સામે કડક અને સતત કાર્યવાહી કરવામાં આવે, જેથી અકસ્માતો અટકે, માર્ગોનું નુકસાન ઘટે અને સર્વોચ્ચ અદાલતના આદેશોનો વાસ્તવિક અમલ થાય. હાલમાં તો વધારાનો ટોલ ભરો તો ઓવરલોડ વાહનને કાયદેસર છુટ મળતી હોય તેવું ચિત્ર છે.

Comments

COMMENT / REPLY FROM