Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં સફાઈના નામે દર મહિને ૭૦ લાખનું આંધણઃ શાસકો શહેરની નહીં, તિજોરીની કરી રહ્યા છે સફાઈ! 

07 July



સફાઈ વ્યવસ્થા સંપૂર્ણ ખાડે જતાં આખરે જિલ્લા કલેક્ટરને મેદાનમાં ઉતરવું પડ્યું : નગરસેવકો ચૂંટાયા પછી ગાયબ : ૧૧ વોર્ડમાં વોર્ડ ઓફિસ અને સ્માર્ટ હેલ્પલાઇન શરૂ કરવાની ઉગ્ર માંગ 


ભુજ -કચ્છઉદય : કચ્છનું પાટનગર અને જિલ્લાનું મુખ્ય મથક ભુજ આજે ગંદકી અને કચરાના ઢગલાઓ વચ્ચે શ્વાસ લઈ રહ્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા પ્રજાના પરસેવાની કમાણીમાંથી સફાઈના નામે દર મહિને ૭૦ લાખથી વધુ રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસા પૂર્વે નાળા સફાઈ માટે દર વર્ષે ૨૦ થી ૩૦ લાખનો વધારાનો ખર્ચ બતાવવામાં આવે છે. આટલો આડેધડ ખર્ચ કરવા છતાં ભુજમાં ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ જ નક્કર આયોજન જોવા મળતું નથી. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે આખા કચ્છ જિલ્લાનો વહીવટ સંભાળતા જિલ્લા કલેક્ટરને ભુજની સફાઈ માટે રસ્તા પર ઉતરવું પડ્યું છે.ભુજ શહેરમાં કુલ ૧૧ વોર્ડ આવેલા છે, જેને સફાઈના આયોજન માટે પાલિકા દ્વારા ૪ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. પરંતુ આ આયોજન માત્ર કાગળ પર છે. મુખ્ય માર્ગોની સાઈડમાં નિયમિત સફાઈ ન થતાં કચરાના મોટા ઢગલા જોવા મળે છે. શેરીઓમાં પણ સફાઈનો સદંતર અભાવ છે ઠેર-ઠેર ઉભરાતી ગટરો અને ગંદકીના કારણે રોગચાળાની ભીતિ છે. બાંધકામનો મલબો અને ડેબ્રિઝ આડેધડ રસ્તા પર ઠલવાય છે, જેના પર તંત્રનું કોઈ નિયંત્રણ નથી. રસ્તાઓ પણ આયોજન વગર ખોદી નખાયા છે. અનેક વિસ્તારોમાં કચરા કલેક્શનની ગાડીઓ આજે પણ ડોકિયાં કરતી નથી. ભુજ જિલ્લા મથક છે જ્યાં સતત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની અવરજવર રહે છે. ગંદકીના કારણે શહેરની સુંદરતા અને છાપ ખરડાઈ રહી છે. નગરપાલિકા પાસે પોતાનો પૂરતો સ્ટાફ અને મહેકમ હોવા છતાં કામગીરી શૂન્ય છે. આખરે ભુજની વરવી વાસ્તવિકતા જોઈને રવિવારે ખુદ કચ્છ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીએ અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સફાઈ માટે કડક સૂચનાઓ આપી હતી. નગરપાલિકાની જવાબદારી કલેક્ટરે નિભાવવી પડે તે વ્યાજબી કહી શકાય નહીં. આખી પરિસ્થિતિ જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે ભુજ નગરપાલિકાના શાસકોમાં કોઈ જ આયોજન ક્ષમતા નથી. શહેરમાં સફાઈના નામે માત્રને માત્ર પાલિકાના ભ્રષ્ટ શાસકો દ્વારા તિજોરીની સફાઈ કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.


.........................


નગરસેવક કોણ ? ઘણા લોકોને હજીય ખબર નથી : વોર્ડ ઓફિસ શરૂ કરો


ભુજના નગરસેવકો ચૂંટાયા પછી મોટાભાગે પોતાના વિસ્તારમાં દેખાયા પણ નથી. ચોમાસામાં પ્રજા પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે, ત્યારે નગરજનોની તાત્કાલિક માંગ છે કે, શહેરના તમામ ૧૧ વોર્ડમાં તાત્કાલિક ધોરણે વોર્ડ ઓફિસ શરૂ કરવામાં આવે. આ ઓફિસ પર તે વોર્ડના ૪ કાઉન્સિલરોના નામ, મોબાઈલ નંબર અને સફાઈ સુપરવાઈઝરની વિગતો મોટા અક્ષરે જાહેર કરવામાં આવે, જેથી પ્રજા સીધો સંપર્ક કરી શકે. ગાંધીધામ મહાનગરપાલિકાની તર્જ પર ભુજમાં પણ એક સ્માર્ટ એપ્લિકેશન અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે. જેમાં શહેરીજનો કચરાનો ફોટો પાડીને અપલોડ કરી શકે અને સમયસર પોતાની ફરિયાદનું નિવારણ લાવી શકે.



..................

ખાણીપીણી વાળાઓ પર કોઈ જ કંટ્રોલ નહીં

શહેરમાં નાસ્તા અને ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓ પાસે નગરપાલિકાની કચરાની ગાડી દિવસમાં બે થી ત્રણ વાર આવતી હોવા છતાં તેઓ એઠવાડ અને કચરો રસ્તા પર જ ફેંકે છે. અન્ય મહાનગરપાલિકાઓમાં આવા લોકો સામે કડક દંડનાત્મક કાર્યવાહી થાય છે, પરંતુ ભુજમાં જાણે પાલિકાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવી દયનીય સ્થિતિ છે. બસ સ્ટેશન અને હોસ્પિટલ રોડ પર દરરોજ ત્રણથી ચાર વખત નગરપાલિકાની ગાડી આવે છે છતાં રાતના એઠવાડ રોડ પર ફેંકવામાં આવે છે. બસ સ્ટેશન સામે તો વરસાદી પાણીના નાળાની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં પથ્થરા તોડીને દરરોજ સ્થાનીકના અમુક વેપારીઓ એઠવાડ નાખે છે. નેત્રમના કેમેરામાં બધું કેદ થતું હોવા છતાં નગરપાલિકાને કાર્યવાહી કરવામાં રાજકીય શરમ નડે છે.

Comments

COMMENT / REPLY FROM