Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પોલીસના બાતમીદારો અને સાક્ષીઓ જ અસુરક્ષિત !

07 July



ખાખીનું હ્યુમન નેટવર્ક નબળું પડ્યું ? : અગાઉ બાતમીદારોની મદદથી આતંકવાદી પકડાઇ જતા આજે પરિસ્થિતિ સૌ જાણે છે : પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિ વચ્ચે લોકો ખાખીથી અંતર જાળવે છે 

ભુજ : સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી બનેલી ચોંકાવનારી ઘટનાઓએ સ્થાનિક પોલીસની કામગીરી, ગુપ્તચર તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે. પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સૂત્ર માત્ર કાગળ પૂરતું સીમિત રહ્યું હોય તેમ કાયદાના રક્ષકોને સાથ આપનારા જાગૃત નાગરિકો, બાતમીદારો અને સાક્ષીઓ જિલ્લામાં સુરક્ષિત રહ્યા નથી. અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જ્યારે બીજી તરફ પોલીસનું પરંપરાગત બાતમીદારોનું નેટવર્ક સાવ નબળું પડી ગયું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.“પૂર્વ કચ્છના દુધઈ પોલીસ સ્ટેશનની હદમાં તાજેતરમાં એલસીબી દ્વારા  ૭૯ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, આ મોટી કાર્યવાહી પાછળ જે બાતમીદારે પોલીસને સચોટ માહિતી આપી હતી, તેનું કુખ્યાત બુટલેગરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું. ગુનેગારો એટલા બેફામ બન્યા કે બાતમીદારને છેક રાજસ્થાન સુધી ઉઠાવી જઈને ઢોર માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું. હાલ આ મામલે હત્યાનો ગુનો દાખલ થયો છે, પરંતુ આ ઘટનાએ પોલીસની ગુપ્તતા અને બાતમીદારોની સુરક્ષા પર ગંભીર સવાલો ખડા કર્યા છે. જો માહિતી આપનાર જ સુરક્ષિત ન હોય, તો ભવિષ્યમાં પોલીસને મદદ કરવા કોણ આગળ આવશે ?સાક્ષીઓની અસુરક્ષાનો આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. “આ પૂર્વે માંડવી તાલુકાના શીરવા ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની સત્તાવાર કામગીરી દરમિયાન પંચ તરીકે રહેનાર એક યુવાન પર પણ અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સરકારી કામગીરીમાં તંત્રને સાથ આપવો એ જાણે ગુનો હોય તેવો માહોલ ઊભો થઈ રહ્યો છે. બીજી તરફ, માધાપરમાં બનેલી ઘટનાએ 
પોલીસના કથળેલા નેટવર્કની પોલ ખોલી નાખી છે. અહીં એક કિશોરના અપહરણને ૧૧ દિવસ વીતી ગયા છતાં પોલીસ હજુ અંધારામાં છે. જ્યારે પરિવાર રજૂઆત કરવા ગયો ત્યારે પોલીસે સ્પષ્ટ કહી દીધું કે, જો છોકરા પાસે મોબાઈલ હોત તો અમે તેને શોધી લીધો હોત.“આ દર્શાવે છે કે પોલીસ માત્ર મોબાઈલ લોકેશન અને ટેકનોલોજી પર જ નિર્ભર બની ગઈ છે. પોલીસ પાસે પોતાનું ગ્રાઉન્ડ લેવલનું કોઈ હ્યુમન નેટવર્ક બચ્યું જ નથી. જો અપહરણકાર કે ભોગ બનનાર પાસે મોબાઈલ ન હોય, તો શું પોલીસ ગુનો ઉકેલવામાં સાવ અસમર્થ છે. છેલ્લા કેટલાક સમયથી બનેલી આ ઘટનાઓને પગલે જે લોકો અગાઉ પોલીસને મદદ કરતા હતા, તેઓ પણ હવે પોતાની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસથી સલામત અંતર જાળવી રહ્યા છે. એક તરફ પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો દાવો કરે છે, 
પરંતુ વર્તમાન વલણ જોતાં પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ આ બાબતે નક્કર પગલાં ભરે તે સમયની માંગ છે.

Comments

COMMENT / REPLY FROM