Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રામાં જોખમી અને જર્જરિત ૭ ઇમારતોના માલિકોને નગરપાલિકાની નોટિસ

06 July


૧૩ તારીખ સુધીનું અપાયું અલ્ટીમેટમ : ભૂકંપગ્રસ્ત અને બંધ હાલતની ઇમારતો જીવલેણ સાબિત થાય તે પહેલાં માલસામાન હટાવી લેવા ચીફ ઓફિસર વૈભવ વ્યાસ અને પ્રમુખ ભોજરાજ ગઢવીની કડક સૂચના


મુન્દ્રા - કચ્છઉદય : મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સુરક્ષાત્મક પગલું ભરવામાં આવ્યું છે. ચોમાસું નજીક છે અને કચ્છ પંથકમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે, ત્યારે મુન્દ્રા શહેરમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતો અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને નગરપાલિકા તંત્ર દ્વારા શહેરની વિવિધ સાત જેટલી અતિ જર્જરિત ઇમારતોના માલિકોને કડક નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ મકાનમાલિકોને આગામી ૧૩ તારીખ સુધીની આખરી મુદત આપવામાં આવી છે.
વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ મુન્દ્રા શહેરમાં આવી ઘણી ઇમારતો બંધ અને બિસ્માર હાલતમાં ઊભી છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. આ અંગે મુન્દ્રા બારોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, સુધરાઈની ટીમ દ્વારા આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભયજનક દેખાતી સાત ઇમારતો પર નોટિસ ચોંટાડવાની તેમજ માલિકોને બજવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ નોટિસમાં સ્પષ્ટપણે તાકીદ કરવામાં આવી છે કે આગામી ૧૩ તારીખ સુધીમાં સંબંધિત લોકોએ પોતાની જર્જરિત અને બંધ ઇમારતોમાંથી કિંમતી માલસામાન સુરક્ષિત રીતે બહાર કાઢી લેવો.
આ મામલે સુધરાઈના પ્રમુખ ભોજરાજ ગઢવીએ પણ કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આ જર્જરિત ઇમારતો ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક માટે જીવલેણ સાબિત થાય તે પહેલાં જ નગરપાલિકા દ્વારા કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા લેવાયેલા આ ત્વરિત અને સરાહનીય પગલાને કારણે મુન્દ્રાના સ્થાનિક શહેરીજનોમાં મોટી રાહતની લાગણી જોવા મળી રહી છે. નગરપાલિકાના આ અભિયાનમાં સુધરાઈના કર્મચારીઓ મહેંદી જત અને વિનોદ વાઘેલાએ સ્થળ પર જઈને નોટિસ ફાળવણીની કામગીરી સક્રિયપણે પૂર્ણ કરી હતી.
----------- 

Comments

COMMENT / REPLY FROM