હાજીપીર પાસે સરકારી જમીન પરનું ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત
પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારમાં વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજે ૩.૮૫ લાખની કિંમતની ૧૧૦૦ ચોરસ ફૂટની જગ્યા ખાલી કરાવાઈ : લોજ અને દુકાનો પર વહીવટી તંત્રની કડક કાર્યવાહી
ભુજ - કચ્છઉદય : કચ્છના સરહદી અને સંવેદનશીલ વિસ્તારમાં સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના સરહદી ક્ષેત્રમાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ હાજીપીર નજીક સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ આજે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. લાંબા સમયથી સરકારી જમીન પચાવી પાડીને ઊભા કરાયેલા આ દબાણ પર આખરે તંત્રનું બુલડોઝર ફરી વળતાં ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે મળતી વિગતો મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ હાજીપીર પોલીસ દ્વારા આ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવાયેલી આશરે ૧૧૦૦ ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં વ્યાપારી હેતુ માટે પાકાં બાંધકામો કરી લેવાયાં હતાં. જેમાં ગેરકાયદેસર રીતે ચાલતી લોજ, ખાણી-પીણીની હોટલો તેમજ કરિયાણાની દુકાનોનો સમાવેશ થાય છે. આ તમામ ગેરકાયદેસર વ્યાપારી સંકુલોને તંત્ર દ્વારા નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે.
પોલીસ અને મહેસૂલ વિભાગની સંયુક્ત કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં આશરે ૩,૮૫,૦૦૦ ની બજાર કિંમત ધરાવતું ગેરકાયદેસર બાંધકામ સંપૂર્ણપણે તોડી પાડીને કિંમતી સરકારી જમીનને સંપાદન મુક્ત કરાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ સરહદી વિસ્તારોમાં આવા ગેરકાયદેસર દબાણો સામે ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે તેવા સંકેતો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.
---------

Comments