Trending News
સ્થાનિક સમાચાર

છત વાટિકા (કિચન ગાર્ડન)ને શોખ નહીં પણ વર્તમાનની જરૂરિયાતનો વિષય બનાવીએ

06 July





ભુજ-કચ્છઉદય : વર્તમાનમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે વ્યક્તિઓને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવા છતાં ચામડીના રોગોથી લઈને કીડની, હ્રદય અને કેન્સર જેવી લાગુ પડતી અનેક ઘાતક બિમારીઓનું મુખ્ય કારણ અનાજ, ફળ અને શાકભાજીમાં વપરાતા અમર્યાદિત રસાયણીક ખાતરો અને જંતુનાશકોનો વધતો વપરાશ છે.ઘરોઘરની આ ગંભીર સમસ્યાને ટાળવા દેશી ગાયના ગોબર અને ગોમુત્ર તથા આપણી જ આજુબાજુ સરળતાથી ઉપલબ્ધ વનસ્પતિઓના પાંદડાઓનું ખાતર બનાવીને ઘરનાં આંગણે અથવા અગાશી ઉપર નાનકડી છત વાટિકા બનાવી તેમાં દરરોજ થોડો સમય ફાળવીને પરિવાર માટે આવશ્યક શુદ્ધ અને રસાયણ મુક્ત શાકભાજીનું વાવેતર અને ઉત્પાદન કરવું એ એક સરળ ઉપાય છે. ગાયના સંવર્ધન અને સંરક્ષણના મહત્વના વિષયને લઈને વિવિધ ૧૮ આયામો સાથે સમગ્ર દેશમાં કાર્યરત ગો સેવા ગતિવિધિના પુર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના એકમો દ્વારા “આપણી છત વાટિકા” નો આવો જ એક પ્રશિક્ષણ વર્ગ નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર- નાની નાગલપર (અંજાર) અને બ્લુ પર્લ ઇન્ટરનેશનલ મિરઝાપર (ભુજ) ખાતે યોજાઈ ગયો જેમાં સર્વાનુમતે નિષ્કર્ષ આવ્યો કે ગૃહિણીઓ માટે અત્યાર સુધી આ વિષય ભલે શોખનો રહ્યો હોય. પરંતુ સ્વાસ્થ્યને લઈને હવે આ વિષય જીવન જરૂરિયાતનો બનવો જોઈએ.
આ વિષયે ઉંડાણથી રસ ધરાવતાં કુલ ૧૨૧ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ સાથે વિવિધ સત્રોમાં છત વાટિકાનું મહત્વ, જમીનને તૈયાર કરવાની પ્રાથમિક માહિતી, બિયારણનું વાવેતર કેવી રીતે કરવું, વિવિધ કંપોષ્ટ ખાતરો બનાવવાં, વાવેતર થયા પછી આવતી જીવાત અને રોગોનું દેશી પદ્ધતિથી નિયંત્રણ કરવું, કઈ ઋતુમાં ક્યાં શાકભાજીનું વાવેતર કરવું વગેરેની દરેક વિષયના નિષ્ણાંત કાર્યકર્તા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીના અનુભવી માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્ગોમાં વિભાગ અને જિલ્લાની સમિતિના કાર્યકરોમાં વિભાગ સંયોજક પરબત ગોરસીયા, પ્રશિક્ષણ પ્રમુખ દિનેશ વાલાણી, જિલ્લા સંયોજક નવીન ભુડીયા સાથે દેવરાજ વરચંદ, અરવિંદ સેંઘાણી, મૌલિક જોષી સહિતનાએ સૌ પ્રશિક્ષાર્થિઓને પોતાના બહોળા અનુભવનો લાભ આપ્યો હતો અને વ્યવસ્થામાં રૂપેશ ભુડીયાનો સહયોગ રહ્યો હતો.
બંને વર્ગોમાં ખેડુતો અને ગૃહિણીઓ ઉપરાંત આયુર્વેદના વૈધ, ડોકટર, પ્રાધ્યાપક, ઈજનેર અને શિક્ષકો સહિતના ભણેલ ગણેલ અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત લોકો જોડાયા હતા અને સંપુર્ણ ગાય આધારિત આ અદ્ભુત અને સાત્વિક પધ્ધતિની મૌખિક ઉપરાંત પ્રેકટિકલ માહિતીથી ખુબ જ પ્રભાવિત થયા હતા. શિક્ષાર્થિઓ માટે પચીસ જેટલી જાતનાં વિવિધ શાકભાજીના દેશી બીજનાં વિતરણની પણ વ્યવસ્થા કરાઈ હતી. આગામી સમયમાં અન્ય જગ્યાએ પણ આવા વર્ગો યોજાતા રહેશે એવું ગતિવિધિના પ્રચાર પ્રસાર સંયોજક રામજી વેલાણીએ જણાવ્યું છે.
-------

Comments

COMMENT / REPLY FROM