ભચાઉના ગુણાતીતપુર ખાતે ૧૧મો વર્ષા મહાયજ્ઞ યોજાશે
ભચાઉ - કચ્છઉદય : પરમાત્માએ સૃષ્ટિના સર્વાંગી કલ્યાણ માટે અમૂલ્ય વેદ વિદ્યા આપણને પ્રદાન કરી છે. આ વિદ્યામાં જગતનું કલ્યાણ પર્યાવરણનું સંતુલન, શુદ્ધિકરણ અને આત્મિક ઉન્નતિ માટેનું શ્રેષ્ઠતમ સાધન એટલે "યજ્ઞ વિદ્યા" જેને શાસ્ત્રોમાં પણ શ્રેષ્ઠતમ કર્મ માનવામાં આવ્યું છે. વેદ પ્રતિપાદિત સનાતન ધર્મના ત્રણ આધાર સ્તંભો છે યજ્ઞ, અધ્યયન અને દાન. જે વ્યક્તિ બુદ્ધિપૂર્વક આ ત્રણ કાર્ય કરે છે તે વેદ નિર્દષ્ટ ધર્મપાલન કરે છે.
પ્રકૃતિ અથવા બીજાઓના સ્વભાવને અનુકૂળ રહેવું. બધા પ્રત્યે પૂજ્યભાવ રાખવો અને બીજાઓના કલ્યાણ માટે સ્વાર્થનો ત્યાગ કરવો તથા દાન કરવું તે યજ્ઞ છે. માનવ જીવન યજ્ઞ જ છે. યજ્ઞ અને મહાયજ્ઞના સ્વરૂપ તથા તેની વિશેષતાઓનું વર્ણન કરતાં મહર્ષિ ભરદ્વાજે જણાવ્યું છે કે, કુશળતાપૂર્વક જે અનુષ્ઠાન કરવામાં આવે છે તેને યજ્ઞ કહે છે. ત્યારબાદ સમષ્ટિ સંબંધી હોવાથી તેને મહાયજ્ઞ કહે છે. મહર્ષિ અંગિરા પણ કહે છે કે વયેષ્ટિ અને સમષ્ટિ સંબંધી યજ્ઞ "મહાયજ્ઞ" કહેવાય છે. મહાયજ્ઞનું ફળ જગતકલ્યાણ માટે છે. તેનો સંબંધ સમષ્ટી સાથે છે, તેથી તેમાં નિસ્વાર્થતાની પ્રધાનતા આવી જાય છે. ઋષિઓએ યજ્ઞને દેવપૂજા, સંગતિકરણ અને દાન ત્રણે અર્થોમાં પ્રયોગ કર્યો છે.
આજે ભૌતિક વિકાસની આંધળી દોડમાં આપણે પ્રકૃતિનું નિરંતર દોહન કરી રહ્યા છીએ જેના પરિણામે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે મહાભૂતોનું સંતુલન ખોરવાયું છે અને તેના ગંભીર પરિણામો આપણી સામે છે. આ પંચ મહાભૂતોને પુનઃ શુદ્ધ અને સંતુલિત કરવાની શાસ્ત્રોત તેમજ વૈજ્ઞાનિક પ્રક્રિયા એટલે પર્યાવરણ સુધી યજ્ઞ. યજ્ઞ જેવા શ્રેષ્ઠ કાર્યોથી મનુષ્યની લૌકિક (સાંસારિક) અને પારમાર્થિક (આધ્યાત્મિક) કામનાઓ પૂર્ણ થાય છે. અગાઉ થયેલ કુકમા તથા ભુજના મહાયજ્ઞમાં કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિના માર્ગદર્શનમાં અર્થ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના ડો. મૃગેશભાઈ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા વિવિધ ડિવાઇસો મૂકી વાતાવરણમાં મહાયજ્ઞની વૈજ્ઞાનિક હકારાત્મક અસરોનું વિસ્તૃત પરીક્ષણ કરવામાં આવેલ હતું તે ગુણાતીતપુરમાં પણ કરવામાં આવશે. સાત ફૂટ ઊંડા અને એટલી જ પરિધિના હવન કુંડમાં દરરોજ ૧૧૦ કિલો દેશી ગાયમાતાનું શુદ્ધ ઘી તથા સેકડો કિલ્લો આયુર્વેદની ઔષધીઓ યુક્ત હવન સામગ્રી દ્વારા એક લાખ જેટલી આહુતિ આપવામાં આવશે.
સમસ્ત જીવ કલ્યાણ સમિતિ આયોજિત ૧૧મો પર્યાવરણ સંતુલન - પર્યાવરણ શુદ્ધિ વર્ષા મહાયજ્ઞ એક શુદ્ધતમ વૈજ્ઞાનિક પ્રયોગ તારીખ ૧૧ જુલાઈ થી ૧૭ જુલાઈ દરમિયાન ગુણાતીતપુર (ભચાઉ) સ્વામિનારાયણ મંદિર મધ્યે સવારે ૯ થી ૫ દરમિયાન યોજાશે. આ વિષયના નિષ્ણાંત છત્તીસગઢ રાયપુરના ડો. કમલ નારાયણજી આર્ય મહાયજ્ઞના બ્રહ્મા રહેશે તથા પતંજલિ યોગપીઠ હરિદ્વારના શ્રધેય સ્વામી યજ્ઞદેવજી મહારાજ શ્રદ્ધેય સ્વામી શાંતાનંદજી દશનાચાર્ય રોહતક (હરિયાણા)નું માર્ગદર્શન રહેશે તેમજ આર્ષ કન્યા ગુરૂકુળ (રોજડ) ગુજરાતની બ્રહ્મચારી બહેનો વિશેષ ઉપસ્થિત રહેશે.
તા. ૮ જુલાઈ બુધવારે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિશાળ હવન કુંડ નિર્માણ વિધિ તેમજ તા. ૧૧ જુલાઈ શનિવારે સવારે આઠ કલાકે સંતો તથા વિદ્વાનોના સાનિધ્યમાં શોભાયાત્રા યોજાશે. મહાયજ્ઞનું ઉદ્દઘાટન સમારંભ ૧૧ જુલાઈ શનિવારે સવારે ૯ઃ૦૦ વાગે યોજાશે. અતિથિ વિશેષ તરીકે કચ્છ કલેકટર અનિલ રાણાવસિયા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. મોહનભાઈ પટેલ, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા પૂ. ક્રિષ્નાનંદજી મહારાજ મહંત પાકડસર જાગીર અને જાણીતા અધિવર્કતા દિનેશચંદ્ર રાવલ રહેશે. મુખ્ય યજમાન સ્વ.માતૃશ્રી હીરાબેન ગંગદાસભાઈ વેલાણી પરિવાર હસ્તે રતનસિંહભાઈ, છગનભાઈ, બાબુભાઈ, મોહનભાઈ, વિનોદભાઈ નવી મુંબઈ- પુના લાભ લેશે.
સ્નેહીજન પરિવાર સ્વ. ડાયાભાઈ હિરજી વેલાણી (ડોમ્બિવલી), સ્વ. પેથાભાઇ હિરજી વેલાણી( દોલપુરકંપા), સ્વ. વાલજીભાઈ હિરજી વેલાણી (ઘાટકોપર), સ્વ. દેવજીભાઈ હિરજીભાઈ વેલાણી (થાણા) રહેશે. યજ્ઞ કુંડ નિર્માણના યજમાન હાઇટેક ગ્રુપ (નવી મુંબઈ) ભોજનના સહયોગી યજમાન એન્ટરપ્રાઇઝ (નવી મુંબઈ) મંજુલાબેન જયંતીભાઈ ભગત (ખારગર), અરુણાબેન પરેશભાઈ પ્રેમજીયાણી લુડવા રહેશે. ગો "ઘી "ના સહયોગી યજમાન માતૃશ્રી પાર્વતીબેન નારણભાઈ સાંખલા પરિવાર હસ્તે વિજયભાઈ નારાણભાઈ સાંખલા - ઘાટકોપર (મુંબઈ) તથા રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના મનોજભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી રહેશે. સહયોગી યજમાન સત્યમ ગ્રુપ ખારગર - નવી મુંબઈ ફ્યુચર ગ્રુપ ખારગર - નવી મુંબઈ હેકશા ટાવર્સ - પુના રહેશે. સહયોગી સંસ્થા સેવા સાધના- કચ્છ, આર્ય સમાજ -ભુજ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રહેશે. મહાયજ્ઞ દરમિયાન ત્રણેય ટાઈમ સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા જાહેર જનતા માટે કરવામાં આવેલ છે.
---------
વર્ષા મહાયજ્ઞની તાવરીખ
વર્ષ સ્થાન
જુલાઈ ર૦૧પ લુડવા (માંડવી)
જુલાઈ ર૦૧૭ લુડવા (માંડવી)
જુલાઈ ર૦૧૮ નખત્રાણા
જુલાઈ ર૦૧૯ મમાયમોરા (માંડવી)
જુલાઈ ર૦ર૧ મેવાસા (રાપર)
જુલાઈ ર૦રર ઉગેડી (નખત્રાણા)
જુન ર૦ર૩ મંગવાણા (નખત્રાણા)
સપ્ટેમ્બર ર૦ર૩ કુકમા (ભુજ)
જુલાઈ ર૦ર૪ વેરસલપર (નખત્રાણા)
જુન ર૦રપ ભુજ
જુલાઈ ર૦ર૬ ગુણાતીતપુર (ભચાઉ)
--------------

Comments