Trending News
ક્રાઈમ

આદિપુરમાં હૃદયકંપાવનારી ઘટના : ઇન્સ્ટાગ્રામની મિત્રતા દુઃસ્વપ્ન બની.! દુષ્કર્મ આચરતો વીડિયો બનાવી બ્લેકમેલ કરી- એસિડ એટેકની આપી ધમકી

06 July



મૂળ મહારાષ્ટ્રની અને આદિપુરમાં પીજીમાં રહેતી ૨૪ વર્ષીય યુવતી ભોગ બની : આરોપી નિશાંત ગોસ્વામી સામે પોલીસ ફરિયાદ


 કંપનીમાં અને પરિવારને વિડીયો મોકલી બદનામ કરવાની ધમકી આપનાર શખ્સ સામે ડીવાયએસપી મુકેશ ચૌધરીએ તપાસ હાથ ધરી



ગાંધીધામ : આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ કરીને એક યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવા અને બાદમાં એસિડ ફેંકવાની ધમકી આપવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે નિશાંત ગોસ્વામી નામના આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અનુસાર, મૂળ નાગપુરની અને હાલ આદિપુરમાં પી.જી.માં રહી નોકરી કરતી ૨૪ વર્ષીય આદિવાસી યુવતીને આરોપી નિશાંત ગોસ્વામીએ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનો વિડિયો ઉતારી લીધો હતો. આ વિડિયો તેના મા-બાપ તથા કંપનીમાં મોકલી બદનામ કરવાની ધમકી આપી આરોપી અવારનવાર બ્લેકમેલ કરતો હતો. યુવતીએ તાબે થવાનો ઇનકાર કરતાં 
આરોપીએ યુવતીની મોટી બહેનને ફોન કરી ગાળો આપી ધમકી આપી હતી. ગત તારીખ ૦૪/૦૬/૨૦૨૬ના રોજ મૈત્રી ગાર્ડન પાસે આરોપીએ યુવતીનો પીછો કરી તેનું ગળું પકડી થાંભલા સાથે ભટકાડી માર માર્યો હતો, તેમજ જો તે વાત નહીં માને તો એસિડ ફેંકવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આદિપુર પોલીસે બી.એન.એસ. તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પી. ચૌધરી ચલાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM