Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપામાં ઢોર ડબ્બે પૂરવાના ટેન્ડરમાં કરોડોની ‘રિંગ’ની આશંકા?

06 July



એક ઢોર પકડવાના ૨૬૦૦! સરકારી તિજોરી લૂંટાવવા ખુલ્લી આંખે મંજૂરી અપાઈ હોવાના ગંભીર આક્ષેપો; કમિશનર અને નવી બોડી કેમ ન કરાવે ફેરતપાસ? : ય્ીસ્ પોર્ટલની આડમાં રિંગ ગોઠવણની  આશંકા : જનતાના નાણાંનો વેડફાટ

- અમારી કક્ષાએ તપાસ કરાવવામાં આવશે, જો સરકારી નીતીઓના કોઈ  ભંગ જણાશે તો ચોકકસથીથી ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે : શ્રી દવેરા(કમિશ્નર ગાંધીધામ મનપા) : અમે કાર્યભાર સંભાળ્યો તે પહેલાનું  હશે, છતા પણ ખરાઈ કરાવીશુ : શ્રી તેજશભાઈ શેઠ(સ્ટેેન્ડીંગ કમિટી ચેરમેન, ગાંધીધા મનપા) સૌથી નીચા ભાવ આવેલા તેમને જ આ ટેન્ડર આપેલુ છે, રીંગ બાબતેની ફરીયાદો મળી નથી, ઉપરાંત પણ તમામ ચકાસણી કરીને વધુ કંઈ કહી શકાય : શ્રી રામાનુજ(ડે.કમિશ્નર ગાંધીધામ મહાનગરપાલીકા)


ગાંધીધામ : ગાંધીધામ મનપાના અગાઉના સત્તાધીશો અને વહીવટી તંત્ર ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવ્યા છે. શહેરમાં રખડતા ઢોરોને ડબ્બે પૂરવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં એક ઢોર દીઠ ૨૬૦૦ જેટલો અધધ કહી શકાય તેવો ભાવ મંજૂર કરવામાં આવતા સમગ્ર પંથકમાં તરેહ-તરેહની ચર્ચાઓ જાગી છે. જાણકારો અને જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, એક ઢોર પકડવાનો ખર્ચ ?૨૬૦૦ કેવી રીતે હોઈ શકે? આ ભાવ પાછળ તંત્ર પાસે શું જસ્ટિફિકેશન (વ્યાજબીપણું) છે? આ આખી પ્રક્રિયામાં મોટું ટેન્ડર રિંગ વચેટિયાઓ દ્વારા ગોઠવવામાં આવ્યું હોવાની અને સરકારી તિજોરીને લૂંટવાનો ખુલ્લો પરવાનો આપી દેવાયો હોવાની આશંકાઓ પ્રબળ બની છે.મનપાના જવાબદાર અધિકારીઓ કદાચ એવી દલીલ કરી શકે છે કે આ ટેન્ડર પ્રક્રિયા સરકારી ગાઈડલાઈન મુજબ ‘ય્ીસ્’ (ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ) અથવા ઈ-પ્રોક્યોરમેન્ટ પોર્ટલ મારફતે જ ઓનલાઈન કરવામાં આવી હતી અને નિયમ મુજબ સૌથી નીચો ભાવ ભરનાર પાર્ટીને જ કામ સોંપાયું છે. પરંતુ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટેન્ડરમાં ચોક્કસ ઈજારદારો દ્વારા ‘રિંગ’ ગોઠવવામાં આવી હોવાની પૂરી સંભાવના છે. ૨૬૦૦નો ઊંચો ભાવ ભરનાર પાર્ટીના જ મળતિયાઓએ અન્ય નામોથી વધુ ઊંચા ભાવ ભરીને આખું ટેન્ડર પોતાના પક્ષમાં કરી લીધું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સરકારી નિયમો અને નીતિઓ અનુસાર, જ્યારે કોઈ સેવામાં આવો અસાધારણ કે શંકાસ્પદ ઊંચો ભાવ સામે આવે, ત્યારે તંત્ર પાસે ‘રી-ઓકસન’ કરવાની સત્તા અને વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. જો મહાનગરપાલિકા ઈચ્છત તો રી-ઓકશન કરીને પ્રક્રિયામાં સામેલ અન્ય પાર્ટીઓને ફરીથી નીચા ભાવે ટેન્ડર ભરવાની તક આપી શકી હોત. આમ કરવાથી તંદુરસ્ત સ્પર્ધા થાત અને સરકારને ઓછા ભાવે કામ મળતાં જનતાના ટેક્સના કરોડો રૂપિયા બચી શક્યા હોત. તો પછી કયા દબાણ હેઠળ તંત્રએ આંખ આડા કાન કરીને સીધેસીધી લીલી ઝંડી આપી દીધી? આ બાબતે ગાંધીધામ મનપાના કમિશ્નરશ્રી દવેરાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ ટેન્ડર મારા ચાર્જ સંભાળ્યા પહેલાનુ હોઈ શક ેછે, છતા પણ ફેરતપાસ કરાવીશુ અને સરકારી નીતીનિયમોની અમલવારી નહી હોય તો ધેારણસરની કાર્યવાહી કરવામા આવશે. તો વળી આ મામલે મનપાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી તેજશભાઈ શેઠને પુછતા તેઓ કહ્યુ હતુ કે, આ મામલે અધિકારીઓ સાથે પરામર્શ કરી અને તપાસ કરાવાશે. જયારે મહાનગરપાલિકાના વહીવટી ડે.કમિશ્નરશ્રી સંજય રામાનુજને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, લોએસ્ટ બીડરનું જ ટેન્ડર મંજુર કરવામા આવ્યુ છે ઉપરાંત પણ સમગ્ર વિગતો જોઈને પછી જ વધારે સચોટ પ્રતિક્રીયા આપી શકાશે. બીજીતરફ આ સમગ્ર કૌભાંડની ગંધ આવતા જ હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે. જો ખરેખર મહાનગરપાલિકા શાસકો અને વહીવટી તંત્ર પારદર્શકતા અને પ્રમાણિકતાનો દાવો કરતા હોય, તો આ ટેન્ડર પ્રક્રિયાની ફેરવિચારણા (રી-ટેન્ડરિંગ) થવી અનિવાર્ય છે. સરકારી હિતમાં અને જનતાના નાણાંનો દુરુપયોગ રોકવા માટે યોગ્ય નિયમોનુસાર અને વ્યાજબી ભાવે જ આ કામ સોંપાવું જોઈએ, નહીં તો ગાંધીધામ 
મનપાની છબી ખરડાશે તેમાં કોઈ બેમત નથી.

..........


સારા-જીવદયા પ્રેમી પાંજરાપોળવાળા આવે આગળઃ અમુક પાંજરાપોળવાળા ડમી રસીદો પણ આપી દે છે !

ગાંધીધામમાં ઢોર કેટલા પકડાયા? કેટલા અને ક્યાં મુકાયા? કોણ કરે છે ચેકિંગ કે ક્રોસ વેરિફિકેશન? “કાગળ પર જ ઢોર પકડાયા હોવાની ચર્ચાઃ અમુક બનછ બેઠેલ પાંજરાપોળ સાથે સેેટિંગ કરી ‘ડમી’ રસીદો મેળવી સરકારમાંથી સબસિડીની મસમોટી રકમો તારવી લેવાતું હોવાની વ્યાપક ચકચાર


ગાંધીધામઃ ગાંધીધામ સંકુલ સહિત સમગ્ર પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવતી ઢોર પકડવાની કામગીરી હવે શંકાના દાયરામાં આવી ગઈ છે. શહેરમાં વાસ્તવિક રીતે કેટલા ઢોર પકડાયા? તેમને કઈ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા? અને આ સમગ્ર પ્રક્રિયાનું ક્રોસ વેરિફિકેશન કોણ કરે છે? તેવા અનેક સળગતા સવાલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે. હકીકતમાં, ઢોર 
પકડવાની આ ઝુંબેશ માત્ર નામપૂરતી જ ચાલતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.““સેટિંગ પાછળ ડમી રસીદોનો ખેલ!“સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આ સમગ્ર ખેલ પાછળ અમુક તત્વો અને કેટલીક 
પાંજરાપોળના સંચાલકો વચ્ચેનું મોટું સેટિંગ કામ કરી રહ્યું છે. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર બતાવીને, અમુક પાંજરાપોળમાંથી ઢોર જમા કરાવ્યા હોવાની ‘ડમી’ (નકલી) રસીદો આસાનીથી મેળવી લેવાતી હોવાની ચર્ચા થઈ રહી છે.. નવાઈની વાત એ છે કે, કેટલાક પાંજરાપોળવાળાઓને પણ આ પ્રકારની આંતરિક ગોઠવણી ખૂબ પોષાય છે. ખોટા આંકડા બતાવી સરકારી સબસિડી ઓળવી જવાનું મસમોટું કૌભાંડ?આ વિવાદ માત્ર નકલી રસીદો પૂરતો સીમિત નથી, પરંતુ તેની પાછળ સરકારી નાણાંનો 
મોટાપાયે દુરુપયોગ થતો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. પાંજરાપોળમાં વાસ્તવિક સંખ્યા કરતા વધુ ઢોર હોવાનું આ નકલી રસીદોના આધારે કાગળ પર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ, આ વધારાના ડમી ઢોરની સંખ્યાના જોરે સરકારમાંથી મળતી પશુ સહાય કે સબસિડીની મસમોટી રકમો બારોબાર મેળવી લેવામાં આવતી હોવાની ચકચાર જાગી છે.જીવદયા પ્રેમીઓએ આગળ આવવું પડશે“આવી પરિસ્થિતિમાં જે ખરેખર નિઃસ્વાર્થ ભાવે અને જીવદયાના હેતુથી કામ કરે છે, તેવા સાચા જીવદયા પ્રેમીઓ અને પ્રતિષ્ઠિત 
પાંજરાપોળના સંચાલકોએ આગળ આવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જો સાચા સંગઠનો આ દૂષણ સામે અવાજ નહીં ઉઠાવે, તો જીવદયાના નામે ચાલતી સંસ્થાઓની બદનામી થશે.સ્થાનિક વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાંધીધામમાં પકડાયેલા પશુઓની સંખ્યા અને પાંજરાપોળના ચોપડે નોંધાયેલા પશુઓનું ભૌતિક વેરિફિકેશન કરવામાં આવે તો ગેરરીતિઓનું મોટું ભોપાળું બહાર આવી શકે તેમ છે.

............


કાયદાકીય બોક્સ : મ્યુનિસિપલ એક્ટ અને ઓડિટના નિયમો શું કહે છે?

ટેન્ડર ‘રિંગ’ અને ઊંચા ભાવો સામે કાયદાકીય તપાસના આ રહ્યા મુખ્ય પાસાં.!


ગાંધીધામ  : મહાનગરપાલિકામાં ઢોર ડબ્બે પૂરવાના ટેન્ડરમાં થયેલા વિવાદ સંદર્ભે GPMC એક્ટ, ૧૯૪૯, સરકારી ખરીદીની માર્ગદર્શિકા (જયારે પ્રક્રિયા GEM પોર્ટલ પર થઈ હોય ત્યારે પણ) અને વિજિલન્સ નિયમો હેઠળ કડક તપાસની જોગવાઈઓ રહેલી છેઃ ૧. GPMC એક્ટની કલમ-૭૩ અને ૭૪ (કરાર અને ટેન્ડરની મંજૂરી) : વ્યાજબી ભાવની ચકાસણીઃ કાયદાની આ જોગવાઈ મુજબ, કમિશનર કે સ્થાયી સમિતિ  કોઈપણ ટેન્ડર મંજૂર કરે ત્યારે તે ભાવ બજારભાવ કરતાં વ્યાજબી છે કે નહીં તે જોવાની પ્રાથમિક જવાબદારી તેમની છે. જો ૨૬૦૦નો ભાવ અસાધારણ હોય, તો તેના એસ્ટીમેટ (અંદાજ) કયા આધારે તૈયાર કરાયા તેની ટેકનિકલ ઓડિટ તપાસ થઈ શકે. ૨. પ્રાદેશિક કમિશનર (RMC, રાજકોટ)ની સુપરવાઈઝરી સત્તા : કલમ-૪૫૧ હેઠળ સ્થગિતતાની સત્તાઃ જો પ્રાદેશિક કમિશનર શ્રી ને જણાય કે મહાનગરપાલિકાનો આ ઠરાવ કે ટેન્ડર મંજૂરીનો નિર્ણય કાયદાની વિરુદ્ધ, જાહેર હિતને નુકસાનકર્તા કે સરકારી તિજોરી પર અયોગ્ય બોજ નાખનારો છે, તો તેઓ આ નિર્ણય પર તાત્કાલિક ‘સ્ટે’ (સ્થગિતતા) આપી શકે છે અને તેની ફેરવિચારણાના આદેશ કરી શકે છે. ૩. ઓડિટ વિભાગની ભૂમિકા અને સ્ક્રુટિની : પ્રોપ્રાયટી ઓડિટઃ ઓડિટરે માત્ર કાગળો પર પ્રક્રિયા સાચી છે એટલું જ નથી જોવાનું, પણ એ જોવાનું છે કે નાણાંનો વ્યય વિવેકપૂર્ણ રીતે થયો છે કે નહીં. : 
સ્પર્ધાનો અભાવ : જો માત્ર ગણતરીની એજન્સીઓએ જ ભાગ લીધો હોય અને તેમના ભાવોમાં મોટો તફાવત ન હોય, તો ઓડિટ વિભાગ તેને ‘રિંગ ફોર્મેશન’ (કાર્ટેલ) ગણીને ટેન્ડર રદ કરવાની ક્વેરી  કાઢી શકે છે. ૪. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને રી-ઓકશનના નિયમો સરકારી ખરીદીના નિયમો મુજબ, જો પ્રથમ પ્રયાસે બહુ ઊંચા ભાવો આવે અથવા ટેન્ડરમાં સિક્રેટ રિંગ થઈ હોવાની શંકા જાય, તો તંત્ર ‘રી-ઓકશન’ કે ‘નેગોસિએશન’ (વાટાઘાટો) કરવા અથવા ટેન્ડર કાયદાકીય રીતે રદ કરી ‘રી-ટેન્ડર’ કરવા બંધાયેલું છે. આંખ આડા કાન કરીને સીધી મંજૂરી આપવી એ નાણાકીય શિસ્તનો ભંગ ગણાય છે.

...........

મુખ્ય સવાલો જેનો જવાબ જનતા ઈચ્છી રહી છે 

૧. એક ઢોર ડબ્બે પૂરવાનો ૨૬૦૦ ખર્ચ કયા લોજિકથી મંજૂર કરાયો? ર. ટેન્ડરમાં રિંગ થઈ હોવાની શંકા હોવા છતાં ‘રી-ઓકશન’નો વિકલ્પ કેમ ન અજમાવાયો?૩. મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગ, વહીવટી વડા કમિશનર અને ચૂંટાયેલી નવી બોડી આ ગંભીર બાબતે કેમ અંધારામાં રહી અથવા મૌન સેવી રહી છે?

...........

Comments

COMMENT / REPLY FROM