જૈશ મોડયુઅલના ૮ શખ્સો ઝબ્બે : આતંકી તાર હવે કચ્છ સુધી તો નથી લંબાયા ને?
દેશદ્રોહીઓ સામે ગુજરાત ATS નો મોટો સપાટો
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૭ અને MP માંથી ૧ શખ્સ દબોચાયોઃ બનાસકાંઠા, પાટણ અને નવસારીમાં જૈશનું મોડ્યુલ સક્રિય હોવાનો પર્દાફાશ : થોડા સમય પહેલાં જ ભુજ નજીકથી ISIS ની વિચારધારાવાળો શખ્સ પકડાયો હતો, ત્યારે ATS ની આ મોટી રેઈડ બાદ સરહદી કચ્છમાં ‘અલબેલ’ પોકારતી સ્થિતિઃ ક્યાં છે સુરક્ષા એજન્સીઓ?ભુજ પાસે ISIS અને હવે રાજયમાં જૈશનું કનેક્શન : કચ્છના યુવાનોનું બ્રેઈન વોશ તો નથી થયું ને?
ગાંધીધામઃગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા અને ભારતમાં આતંકી નેટવર્ક ફેલાવવાની પેરવી કરી રહેલા સ્લીપર સેલના ૮ આતંકી સાગરીતોને એટીએસની ટીમે દબોચી લીધા છે. ઝડપાયેલા આ આઠ શખ્સોમાંથી ૭ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી અને ૧ મધ્યપ્રદેશ માંથી ઝડપાયો છે. ગુજરાતમાં ખાસ કરીને સરહદી જિલ્લા બનાસકાંઠા, પાટણ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારીમાંથી આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ સરહદી અને સંવેદનશીલ એવા કચ્છ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અગમચેતી દર્શાવતા સવાલો ઊભા થયા છે.ગાંધીધામ ગુજરાત એટીએસના આ ઓપરેશન બાદ કચ્છ રક્ષા ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાયા છે. થોડા સમય પહેલાં જ કચ્છના મુખ્ય મથક ભુજ નજીકથી આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ૈંજીૈંજી ની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલો એક શખ્સ ઝડપાઈ ચૂક્યો છે. આ ઘટનાક્રમ હજુ તાજો જ છે ત્યાં બનાસકાંઠા અને પાટણ જેવા સરહદી જિલ્લાઓમાંથી જૈશના આઠ સાગરીતો પકડાતા કચ્છમાં પણ ફફડાટ ફેલાયો છે.
સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે, શું આ આઠ આતંકી શખ્સોના તાર કચ્છ જિલ્લા સુધી તો લંબાયેલા નથી ને? આ પકડાયેલા દેશદ્રોહીઓએ કચ્છના કોઈ સ્થાનિક ભોળા યુવાનોનો સંપર્ક કરીને તેમનું આતંકી વિચારધારા તરફ ‘બ્રેઈન વોશ’ તો નથી કર્યું ને? આ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ થવી અનિવાર્ય બની ગઈ છે.
...........
સેન્ટ્રલ એજન્સીઓએ સમયસૂચકતા દાખવીઃ કમાન્ડ સંભાળવો પડશે
ગાંધીધામ : કચ્છ એ સરહદી જિલ્લો હોવાના કારણે અહીં દેશભરની અલગ-અલગ મિલિટરી ઈન્ટેલિજન્સ, બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને અન્ય કેન્દ્રીય સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓ પડાવ નાખીને બેઠી છે. સ્થાનિક પોલીસ કે સ્ટેટ આઈબીના ભરોસે બેસવાને બદલે હવે સેન્ટ્રલ આઈબી અને અન્ય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ પોતે જ આગળ આવીને મોરચો સંભાળવો પડશે.
ઝડપાયેલા આઠ શખ્સોના કોઈ તાર કે કડીઓ કચ્છના સરહદી વિસ્તારો, દરિયાઈ ક્રીક પટ્ટી કે કંડલા-મુન્દ્રા જેવા પોર્ટ વિસ્તારો સાથેના કોઈ શખ્સો સાથે જોડાયેલા છે કે નહીં, તે સંદર્ભે સમયસૂચકતા દાખવીને અગમચેતીના ભાગરૂપે તાકીદે સઘન ચેકિંગ અને તપાસનો દોર શરૂ કરવો જ રહ્યો. જો સમયસર સ્થાનિક કક્ષાએ સ્લીપર સેલ અને કટ્ટરપંથી તત્વોને નેસ્તનાબૂદ કરવામાં નહીં આવે, તો આ સરહદી જિલ્લો આતંકી આકાઓ માટે સોફ્ટ ટાર્ગેટ સાબિત થઈ શકે છે તેવી ભીતી પણ પ્રબુદ્ધવર્ગ દર્શાવી રહયો છે.
..........
સ્ટેટ આઈબીના અમુક ભ્રષ્ટ તત્વો પોતાના જ ધંધામાં વ્યસ્ત!
ગાંધીધામ : કચ્છ જિલ્લો પાકિસ્તાન સરહદની તદ્દન નજીક હોવા છતાં, અહીં સ્થાનિક ગુપ્તચર એજન્સી એટલે કે સ્ટેટ આઈબીના અમુક ભ્રષ્ટ તત્વો રાષ્ટ્રીય સુરક્ષા જેવા અતિ સંવેદનશીલ વિષયને છોડીને પોતાના અંગત આર્થિક અને ધંધાકીય હિતો સાચવવામાં જ વ્યસ્ત હોવાની વ્યાપક ચર્ચા છે. આ પટ્ટામાં ક્યારેક ગેરકાયદેસર ડિઝલચોરીનું નેટવર્ક, ક્યારેક લાકડાના ભૂંસાના બેનામી વ્યાપાર તો ક્યારેક અન્ય આર્થિક સેટિંગો કરવામાં જ અમુક જવાબદારો આખો દિવસ વ્યસ્ત રહે છે. સ્થાનિક સ્તરે આ પ્રકારની ઘોર ઉદાસીનતા અને ભ્રષ્ટાચાર દેશની આંતરિક સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
.............

Comments