આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય દ્વારા રમતોત્સવનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય અને કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાધામ, ભુજ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે ભવ્ય રમતોત્સવ ૨૦૨૬-૨૭નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે આવેલા આધુનિક સુવિધાઓથી સજજ લાલજીભાઈ રૂડા પિંડોરીયા રમતગમત સંકુલમાં આ રમતગમત મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. ભવ્ય પ્રારંભે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત રમતગમતના નિયમો અને શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ સાથે થઈ હતી. આ પ્રસંગે દીકરાઓનો ઉત્સાહ વધારવા માટે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૬ના ગોલ્ડ મેડાલિસ્ટ હીનાબેન રાજગોરે ઉપસ્થિત રહીને રમતવીરોને વૈશ્વિક કક્ષાએ ચમકવાની પ્રેરણા પૂરી પાડી હતી.
સંસ્થાના પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા (કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ) અને અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયા (કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ), સેક્રેટરી મનજીભાઈ પિંડોરીયા, કેશરાભાઈ પિંડોરીયા, મેઘજીભાઈ પટેલ (દાતા ટ્રસ્ટી), ધનસુખભાઈ શિયાણી, ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ, વિનોદભાઈ પિંડોરીયા, રામજીભાઈ સેંઘાણી, કરસનભાઈ મેપાણી, લક્ષ્મણભાઈ રાઘવાણી, કાન્તાબેન રાબડીયા, પુષ્પાબેન વી. મેપાણી, કસ્તુરબેન ગોરસીયા, હરીશભાઈ વેકરીયા, મનીષભાઈ પટેલ (પ્રમુખ કચ્છ માધ્યમિક સંઘ), અમિતભાઈ તેપન (હેન્ડબોલ કોચ), યુવક સંઘના કાર્યકરો તથા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ખેલદિલી પૂર્વક રમવા માટે આશીર્વાદ આપ્યા હતા.
આ રમતોત્સવમાં ધોરણ ૭ થી ૧૨ના દીકરાઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. મેદાન પર જુદી જુદી રમતો જેવી કે દોડ, ફેક, કૂદ, ખો-ખો, કબડ્ડી અને હેન્ડબોલ જેવી પરંપરાગત તથા આધુનિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી રમતગમતમા શક્તિનું પ્રદર્શન કરી સંસ્થાની સિદ્ધિઓમાં એક નવું મોરપંખ ઉમેર્યું હતું દર્શકોનો ઉત્સાહમોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને સંસ્થા પરિવારના સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે મેદાન પર રમી રહેલા બાળકોનો ઉત્સાહ સતત વધાર્યો હતો. મહેમાનોએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનોથી બાળકોમાં ટીમવર્ક, નેતૃત્વ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહેવાના ગુણોનો વિકાસ થાય છે. સમાપન કાર્યક્રમના અંતે વિજેતા બનેલા રમતવીરોને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર રમતોત્સવ શિસ્તબદ્ધ અને આનંદમય માહોલમાં સંપન્ન થયો હતો. સંસ્થાના ગૃહપતિ ભરતભાઈ,આચાર્ય કોમલબેન ઠક્કર અને વ્યાયામ શિક્ષકો સાથે સમગ્ર સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
-----

Comments