Trending News
સ્થાનિક સમાચાર

જીકાસનો હઠાગ્રહ મુકાયો : પ્રવેશ પ્રક્રિયાની સત્તા આખરે યુનિવર્સિટીઓને સોંપાઈ

03 July



ચાર રાઉન્ડના અંતે ૫૦ ટકાથી વધુ બેઠકો ખાલી રહેતા સરકારે નિર્ણય બદલ્યો : આગામી ૫ જુલાઈથી નવેસરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે

ભુજ - કચ્છઉદય : ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલના માધ્યમથી રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટેના ચાર રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ અડધોઅડધ બેઠકો ખાલી રહેતા ભારે વિવાદ સર્જાયો હતો. આખરે ત્રણ દિવસના ભારે સસ્પેન્સ અને વિદ્યાર્થી સંગઠનોની ઉગ્ર રજૂઆતો બાદ સરકારે જીકાસનો હઠાગ્રહ જતો કર્યો છે. સરકારે હવે પછીની તમામ પ્રવેશ પ્રક્રિયા જે તે યુનિવર્સિટીઓ અને કોલેજોને સોંપી દેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નવા નિર્ણયથી આગામી પાંચમા રાઉન્ડથી વિદ્યાર્થીઓને ગત વર્ષની જેમ જ સીધો પ્રવેશ મળી શકશે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપક રાહત જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટી તેમજ કચ્છ યુનિવર્સિટી સહિત રાજ્યની અન્ય તમામ સરકારી યુનિવર્સિટીઓમાં હાલમાં ૫૦ ટકાથી વધારે અંડર ગ્રેજ્યુએશનની બેઠકો ખાલી પડી છે, જેને ભરવા માટે હવે સ્થાનિક સ્તરેથી જ આયોજન કરવામાં આવશે.
સરકારના નવા આદેશ અનુસાર આગામી ૫મી જુલાઈથી ૧૪મી જુલાઈ સુધી જીકાસ પોર્ટલ પર નવેસરથી રજિસ્ટ્રેશન, કોલેજ અને પ્રોગ્રામની પસંદગી કરી શકાશે. અગાઉ રજિસ્ટ્રેશન કરાવી ચૂકેલા વિદ્યાર્થીઓ પોતાની અરજીમાં ફેરફાર કરી શકશે અને જો કોઈનો પ્રવેશ કન્ફર્મ થઈ ગયો હોય તો તે રદ કરાવીને નવેસરથી અરજી કરી શકશે. વિદ્યાર્થીઓને ૬ઠ્ઠીથી ૧૫મી જુલાઈ દરમિયાન ઓનલાઈન પ્રવેશ ઓફર લેટર મળશે. હવે પછી મેરિટયાદી તૈયાર કરવાની અને કટ ઓફ જાળવવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત યુનિવર્સિટી અને કોલેજોની રહેશે. ખાલી બેઠકો ભરવા માટે કોલેજો દ્વારા સીધા જ વિદ્યાર્થીઓના લોગઇન ડેશબોર્ડ પર પ્રવેશ ઓફર પોસ્ટ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને ઇચ્છિત કોલેજની ઓફર ન મળે તો તેઓ સીધો જ જે તે યુનિવર્સિટી કે કોલેજનો સંપર્ક કરી શકશે.
કોલેજો દ્વારા બેઠક ઓફર કર્યા બાદ એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરાશે, જેમાં વિદ્યાર્થીએ ઓફર સ્વીકારીને પોતાના અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે અને ફી ભરીને ઓટીપી દ્વારા પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. જો આ નિયત સમયમાં પ્રક્રિયા પૂરી નહીં થાય તો પ્રવેશ આપોઆપ રદ ગણાશે. પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ કોલેજમાં રૂબરૂ હાજર રહીને જ ઓટીપી આપવાનો રહેશે. પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, અગાઉ અરજી ન કરનારા અથવા અરજી કર્યા પછી પણ પ્રવેશ કન્ફર્મ ન કરાવનારા તમામ વિદ્યાર્થીઓ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. જીકાસ પોર્ટલ પર ખાલી બેઠકોની વિગતો સતત દર્શાવવામાં આવશે અને દર છ કલાકે પોર્ટલ અપડેટ થતું રહેશે. વિદ્યાર્થીઓ એક જ અરજી દ્વારા એકથી વધુ યુનિવર્સિટી કે પ્રોગ્રામ પસંદ કરી શકશે, પરંતુ ફોર્મ સબમીટ કર્યા બાદ અંતિમ તારીખ પહેલા કરેલા દરેક ફેરફારને ફરીથી સબમીટ કરવો અનિવાર્ય રહેશે, અન્યથા અરજી ધ્યાને લેવાશે નહીં.
------------ 

Comments

COMMENT / REPLY FROM