મુન્દ્રામાં જર્જરિત અને જોખમી ઇમારતો સામે નગરપાલિકાની કાર્યવાહી શરૂ
ચીફ ઓફિસર વૈભવ વ્યાસે ટીમ સાથે શહેરના કોટ વિસ્તારમાં સર્વે હાથ ધર્યો, માલિકોને નોટિસ પાઠવવાની તૈયારી
મુન્દ્રા-કચ્છઉદય : મુન્દ્રા શહેરના કોટ વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમાં પડેલી અનેક જર્જરિત ઇમારતો તેમજ ઐતિહાસિક રાજાશાહી નાકાઓની હાલત દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહી છે. કચ્છમાં સમયાંતરે અનુભવાતા ભૂકંપના આંચકાઓ અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખતા આવી ઇમારતો કોઈપણ સમયે ધરાશાયી થઈ જનહાનિ સર્જી શકે તેવી સ્થિતિમાં હોવાનું જણાઈ રહ્યું છે. આ ગંભીર પ્રશ્નને અનુલક્ષીને મુન્દ્રા-બારોઈ નગરપાલિકાના યુવા ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસ દ્વારા શહેરની વિવિધ જોખમી અને જર્જરિત ઇમારતોનો સ્થળ પર જઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસ તેમની ટીમ સાથે સૌપ્રથમ ભાટિયા ચકલા વિસ્તારમાં આવેલી વર્ષોથી બંધ હાલતમાં પડેલી જર્જરિત ઇમારતની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે નગરપાલિકાના ઈજનેર રાજેશ ગઢવી સાથે ઇમારતની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી તેમજ સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા જૂની બી.એડ. કોલેજ સામે આવેલા હોળી ચકલા વિસ્તારમાં વર્ષોથી બિનઉપયોગી અને બંધ હાલતમાં રહેલા બે વિશાળ બંગલાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર ઇમારતોની ભૌતિક સ્થિતિ, દિવાલોમાં પડેલી તિરાડો, છતની જર્જરિતતા અને આસપાસના રહેણાંક વિસ્તારને થઈ શકે તેવા જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈજનેર રાજેશ ગઢવીને તકેદારીના ભાગરૂપે જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસે જણાવ્યું હતું કે શહેરમાં આવેલી તમામ જોખમી અને જર્જરિત ઇમારતોનો તબક્કાવાર સર્વે કરવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ સંબંધિત મિલકત માલિકોને નોટિસ પાઠવી ઇમારતોની મરામત, સુરક્ષા વ્યવસ્થા અથવા જરૂરી હોય ત્યાં દૂર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે. નોટિસ છતાં યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મુન્દ્રા શહેરમાં જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતાં શરૂ કરાયેલા આ અભિયાનને સ્થાનિક નાગરિકોમાંથી પણ આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અકસ્માતોની સંભાવના ઘટાડવા માટે જર્જરિત ઇમારતો સામે સમયસર કાર્યવાહી જરૂરી હોવાનું નાગરિકોનું માનવું છે. આ સર્વે કામગીરી દરમિયાન ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસ સાથે નગરપાલિકાના ઈજનેર રાજેશ ગઢવી, સ્ટાફ સભ્ય અજય આહિર તથા બાબુભાઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
.........

Comments