કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા નકલી નોટો ઉડાડી વિરોધ પ્રદર્શન કરાયું
ભુજ-કચ્છઉદય : કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે હોસ્ટેલને લગતી સમસ્યાને લઈને રજૂઆતની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધાઓના અભાવને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હોસ્ટેલમાં પીવાના પાણીની ભારે અછત અને સફાઈનો અભાવ છે જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે. આ ઉપરાંત, હોસ્ટેલના પરિસરમાં સાફ-સફાઈની યોગ્ય વ્યવસ્થા નથી, જે અસ્વચ્છતાનું મોટું કારણ બની રહ્યું છે.
કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે યુનિવર્સિટી લાખો કરોડના ખર્ચે વિવિધ ભવનો બનાવે છે પરંતુ પાયાની સુવિધા આપી શકતી નથી. જો વિવિધ ભવનો બનાવવામાં ગ્રાન્ટો ખતમ થઈ ગઈ હોય તો એનએસયુઆઈ રૂપિયા આપશે અને પાણીની સુવિધા કરી આપશે તેવું કહીને એ નકલી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રજૂઆત કરતી વખતે ઋષિરાજસિંહ જાડેજા, તીર્થ ઠક્કર, ફીયાઝભાઈ અને મોટી સંખ્યામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
----------

Comments