Trending News
સ્થાનિક સમાચાર

શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીનો કાર્યક્રમ જાહેર : ૧૬ જુલાઈ સુધીમાં ઓર્ડર અપાશે

03 July


શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ સહિત તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ઓફલાઇન કેમ્પ યોજવા સત્તાવાર આદેશ : એકવાર શાળા પસંદ કર્યા પછી હુકમ રદ નહીં થાય : બદલી વખતે શાળામાં ઓછામાં ઓછું એક નિયમિત ભરતીથી નિમાયેલ શિક્ષકનું મહેકમ જળવાઈ રહેવું જરૂરી

ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકો અને મદદનીશ શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર પાઠવીને આગામી ૧૬ જુલાઈ ૨૦૨૬ સુધીમાં આ બદલી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગના ઠરાવોની જોગવાઈઓ અનુસાર આ સમગ્ર બદલી પ્રક્રિયા અને તેના હુકમો સંબંધિત જિલ્લા કક્ષાએથી સંપૂર્ણપણે ઓફલાઇન માધ્યમથી જ કરવાના રહેશે. શિક્ષકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આંતરિક બદલી કેમ્પની કાર્યવાહી ૪ જુલાઈથી શરૂ થઈને ૧૬ જુલાઈના રોજ પૂર્ણ થશે.
જાહેર કરાયેલા સત્તાવાર સમયપત્રક અનુસાર, ૪ જુલાઈના રોજ ૧ જુલાઈ, ૨૦૨૬ની સ્થિતિએ માધ્યમવાર, શાળાવાર અને વિષયવાર ખાલી જગ્યાઓની વિગતો શાળા મારફત તમામ શિક્ષકોને જાણ કરવાની રહેશે. ત્યારબાદ બદલી મેળવવા ઈચ્છુક શિક્ષકોએ જરૂરી આધારો સાથે નિયત ફોર્મમાં પોતાની અરજી શાળાના આચાર્ય મારફત ૭ જુલાઈ સુધીમાં સબમિટ કરવાની રહેશે. આ અરજીઓ મળ્યા બાદ બદલી ઠરાવની જોગવાઈઓને આધારે તૈયાર થયેલી કામચલાઉ મેરિટ યાદી ૧૦ જુલાઈ સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ યાદી સામે શિક્ષકો પોતાના વાંધા કે અન્ય રજૂઆતો ૧૩ જુલાઈ સુધીમાં કરી શકશે. વાંધા-અરજીઓની નિયમોનુસાર ચકાસણી કર્યા બાદ ૧૪ જુલાઈના રોજ આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરી કેમ્પની તારીખ જાહેર કરાશે અને આખરી ૧૬ જુલાઈના રોજ મેરિટ તથા ખાલી જગ્યા મુજબ આંતરિક ફેરબદલીના હુકમો કરી દેવામાં આવશે.
આ બદલી પ્રક્રિયામાં ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કેમ્પમાં શિક્ષકો પોતાની સ્વેચ્છા અને સમજણથી શાળા પસંદ કરતા હોવાથી એકવાર ઓર્ડર થયા પછી કોઈ પણ સંજોગોમાં તે રદ થઈ શકશે નહીં. બદલીનો હુકમ થયા બાદ સંબંધિત શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકને સાત કાર્યકારી દિવસમાં ફરજિયાતપણે છૂટા કરવાના રહેશે. જોકે, બદલી વખતે શાળામાં ઓછામાં ઓછું એક નિયમિત ભરતીથી નિમાયેલ શિક્ષકનું મહેકમ જળવાઈ રહેવું જરૂરી છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ દિવ્યાંગો માટેની ખાસ ભરતી પ્રક્રિયા ચાલુ હોવાથી તે ખાલી જગ્યાઓ આ કેમ્પમાં દર્શાવવાની રહેશે નહીં. નિયમ મુજબ શિક્ષકોને એક જ જિલ્લામાં આંતરિક બદલીનો લાભ સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ બે વખત જ મળી શકશે અને એકવાર લાભ લીધા પછી સામાન્ય સંજોગોમાં આગામી ત્રણ વર્ષ સુધી પુનઃ અરજી કરી શકાશે નહીં.
------------ 

Comments

COMMENT / REPLY FROM