Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા કલેકટર અનિલ રાણાવાસિયાએ શિણાય ડેમની લીધી મુલાકાત 

03 July


ડેમની વર્તમાન પરિસ્થિતિ, જળાશયની કુલ જળસંગ્રહ ક્ષમતા તેમજ જાળવણી માટે હાથ ધરવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી


ગાંધીધામ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના કલેક્ટર અનિલ રાણાવાસિયા દ્વારા ગાંધીધામ નજીક આવેલા ઐતિહાસિક અને અગત્યના શિણાય ડેમની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ પર જ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ડેમની વર્તમાન પરિસ્થિતિ, જળાશયની કુલ જળસંગ્રહ ક્ષમતા તેમજ તેની જાળવણી માટે હાથ ધરવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે અને પાણીના આયોજનના ભાગરૂપે આ પ્રકારના જળસ્ત્રોતોની ચકાસણીને વિશેષ અગ્રતા આપવામાં આવી રહી છે. આ મુલાકાત મેળાએ જિલ્લા કલેકટરની સાથે વહીવટી, સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે રહ્યા હતા.
ભૌગોલિક દ્રષ્ટિએ વિષમ અને ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લાના શહેરી વિસ્તારો માટે પાણીનું વ્યવસ્થાપન હંમેશા એક મોટો પડકાર રહ્યું છે. જ્યારે પણ જિલ્લામાં વરસાદ ખેંચાય અથવા ઉનાળાના આકરા દિવસોમાં પાણીની અછત જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે શહેરીજનો માટે પીવાના અને વપરાશના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા સંપૂર્ણપણે સ્થાનિક ડેમ અને જળાશયો પર આધારિત બની જતી હોય છે. કચ્છના વિવિધ મોટા શહેરો માટે તંત્ર દ્વારા અગાઉથી જ જળ સંકટને પહોંચી વળવા માટે ચોક્કસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે.આ વ્યવસ્થા અંતર્ગત ગાંધીધામ શહેરની તરસ છિપાવવા માટે ટપ્પર ડેમ મુખ્ય સ્ત્રોત તરીકે અને કટોકટીના સમયે મહત્વની વ્યવસ્થા પૂરી પાડે છે. તેવી જ રીતે ભુજ શહેર માટે પણ જ્યારે નર્મદાના નીર કે અન્ય લાઈનોમાં વિક્ષેપ પડે અથવા પાણીની અછત વર્તાય, ત્યારે લેર ડેમ અને ધુનારાજા ડેમ તારણહાર સાબિત થઇ શકે છે અને કટોકટીના સમયે ઉપયોગી બની શકે છે. આ જ તર્જ પર અંજાર શહેરની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ અને ભવિષ્યની વૈકલ્પિક વ્યવસ્થા માટે શિણાય ડેમ અત્યંત અગત્યનો અને આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. અંજાર શહેરની નજીક આ પ્રકારના સક્ષમ જળસ્ત્રોતની ઉપલબ્ધતા આગામી સમયમાં જળ કટોકટી સામે લડવા માટે એક મજબૂત કવચ પૂરું પાડી શકે છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM