રાપરના સલારીમાં જૂની અદાવતમાં યુવક પર ઘાતકી હુમલો કરાયો
રાપર- કચ્છઉદય : તાલુકાના સલારી ગામે જૂના કેસની અદાવત રાખીને એક યુવકને જાતિસૂચક અપશબ્દો બોલી, લોખંડના પંચ વડે માથાના ભાગે જીવલેણ હુમલો કરાયો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે.સાલારી ગામના રહેવાસી કાંતિલાલ ધનજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) એ ભુજ હોસ્પિટલમાંથી સારવાર મેળવી પરત ફર્યા બાદ ગામના જ દેવજી વેલજી લુહાર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ, આજથી બે વર્ષ પહેલાં ફરિયાદી કાંતિલાલના ભાઈ ભરતભાઈ રાઠોડે આરોપી દેવજી લુહાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ કર્યો હતો. આ કેસનું મનદુઃખ રાખીને આરોપીએ તા. ૦૧/૦૭/૨૦૨૬ ના રોજ સવારે સલારી ગામના રામમંદિર ચોક પાસે ફરિયાદીને રોક્યો હતો.આરોપીએ જાહેરમાં કાંતિલાલનગંદી ગાળો આપી, જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરીને પોતાના હાથમાં રાખેલ લોખંડનો પંચ ફરિયાદીના માથાના પાછળના ભાગે મારી દેતા લોહીલુહાણ હાલતમાં મૂઢ ઈજા થઈ હતી. રાપર પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એસ.સી.એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટીયાને સોંપી છે.

Comments