પૂર્વ અને પશ્ચિમની આરટીઓમાં ફરી ‘એજન્ટ રાજ’
ભુજની કચેરીમાં અગાઉ ઈન્સ્પેકટર પાસે ચાર્જ હતો ત્યારે એજન્ટો કચેરીમાં ન ડોકાતા : આજે એડીશનલ કલેકટર કક્ષાના અધિકારી પાસે જવાબદારી છતાં એજન્ટો વીના કામ થતા નથી
પૂર્વ કચ્છની અંજાર કચેરીમાં ચીપકીને બેઠેલા અધિકારીઓ અને એજન્ટોને મલાઈ મળતી હોવાથી ગોરખધંધા બેફામ : જાણ બહાર વાહન ટ્રાન્સફર થાય, લોન લેવાય, ફીટનેશના પ્રમાણપત્ર મળે
અંજાર - કચ્છઉદય : જિલ્લાની ભુજ અને અંજાર આરટીઓ કચેરીઓમાં કલેક્ટરના એજન્ટ પ્રતિબંધના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આરટીઓમાં વચેટિયાઓનું એવું સામ્રાજ્ય ઉભું થયું છે કે સામાન્ય અરજદારનું કામ એજન્ટ વગર થતું નથી, જ્યારે શંકાસ્પદ અને ગેરકાયદે કામો સહેલાઈથી પાર પડી રહ્યા છે. તાજેતરમાં અંજાર તાલુકાના ટપ્પર ગામમાંથી પૂર્વ કચ્છ એલસીબીએ ૮૦ લાખનો દારૂ પકડયો હતો. જેના ડમ્પરમાં માલિકી હક્ક ફેરફાર કરવામાં એજન્ટોની ભૂમિકા સામે આવી હતી. ડમ્પર મૂળ ઝરપરા ગામના વ્યક્તિના નામે હતું. પરંતુ દારૂની હેરાફેરીમાં ઉપયોગ માટે એજન્ટોએ ટીટીઓ ફોર્મમાં બોગસ સહીઓ કરીને વાહનનું ટ્રાન્સફર સિનોગ્રા ગામના એક શ્રમિકના નામે કરાવી દીધું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં મૂળ માલિકની ખરાઈ કર્યા વિના વાહન ટ્રાન્સફર થઈ જતાં અનેક સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દારૂનો જથ્થો ઝડપાય તો વાસ્તવિક માલિક બચી જાય અને જવાબદારી શ્રમિક પર આવી પડે તેવો કારસો રચાયો હોવાની ચર્ચા છે. આ મામલે આરટીઓની કામગીરી અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ પૂર્વ કચ્છમાં વાહનોના ફિટનેસ પાસિંગ દરમિયાન નિર્ધારિત ફી કરતાં વધુ રકમ વસૂલાતી હોવાના આક્ષેપો વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ખાનગી ફિટનેસ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. તેમ છતાં એજન્ટો મારફતે કામ થવાની પ્રથા અને દસ્તાવેજી ગેરરીતિઓના આક્ષેપો હજુ યથાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા આરટીઓ કચેરીમાં એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં ભુજ અને અંજાર બંને કચેરીઓમાં એજન્ટોની અવરજવર ખુલ્લેઆમ જોવા મળતી હોવાનું અરજદારોનું કહેવું છે. આ અગાઉ અંજાર કે ભુજ આરટીઓ કચેરીમાં એન્જટીએ અધિકારીને વિશ્વાસ જીતી કેટલાક કૌભાંડો બહાર આવી ચુકયા છે. ભુજમાં ડીએમ સીરીજ સહિત અનેક કૌભાંડો ચર્ચામાં છે ત્યારે અરટીઓ અધિકારી કડક પગલા ભરે તે
જરૂરી છે. સ્થાનિકો જણાવે છે કે ભુજમાં અગાઉ કડક અધિકારીના કાર્યકાળ દરમિયાન કચેરીમાં એજન્ટોનો પ્રવેશ લગભગ બંધ હતો અને અરજદારોના કામ સીધા થતા હતા. પરંતુ તેમની બદલી બાદ ફરી જૂની સ્થિતિ સર્જાઈ હોવાનું
કહેવાય છે. અગાઉ ઈન્સ્પેકટર પાસે ચાર્જ હોવા છતાં અરજદારો ભુજની કચેરીમાં એજન્ટો વીના કામ કરાવી શકતા હતા. આજે એડીશનલ કલેકટર કક્ષાના અધિકારી પાસે ભુજની આરટીઓનો ચાર્જ હોવા છતાં એજન્ટો વીના કામ થતા નથી. જો કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ નહીં થાય તો ફરીથી ગાંધીનગરથી ટ્રાન્સપોર્ટ કમીશનરની કચેરીને બન્ને આરટીઓમાં દરોડા પાડવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભુતકાળમાં સીઓટીની ટીમ આવી ત્યારે ભુજની કચેરીમાં એજન્ટો દિવાલ કુદીને ભાગ્યા હતા. કેટલાક એજન્ટો આરટીઓની ચેમ્બરમાં ઘૂસી ગયા અને બાદમાં અમે રજુઆત કરવા આવ્યા છીએ તેમ કહીને મામલાને શાંત પાડી દેવામાં આવ્યો હતો.

Comments