ભુજના વોર્ડ નંબર ૧૦માં રોડનું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરના વોર્ડ નંબર ૧૦માં આવેલ સોમૈયા નગર સોસાયટીના રોડનું કામ મંજૂર થયા પછી પણ આજ દિન સુધી શરૂ ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં એક દિવસ માટે કામ શરૂ કરાયા બાદ બીજા જ દિવસથી અગમ્ય કારણોસર કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ગંભીર બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા અગાઉ પણ નગરપાલિકાને લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી નથી.
હાલ ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ હોઈ, જો આ રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની અને લોકો બીમારીના ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત અધૂરા રોડને કારણે નાના-મોટા અકસ્માતો સર્જાવાની પણ આશંકા રહેલી છે.
આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને આ અટકેલું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. નગરપાલિકા સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆત વેળાએ સોસાયટીના અગ્રણી રહેવાસીઓ રેશ્માબેન ગોર, વર્ષાબેન ઠક્કર, નીતાબેન ગોર, નયનાબેન મહેતા અને વંદનાબેન જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તંત્ર પાસે સત્વરે યોગ્ય પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
--------

Comments