રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં કચ્છની દીકરીનો ઝળહળતો દેખાવ
૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ અને ચાર સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું
ભુજ-કચ્છઉદય : ગુજરાત સ્ટેટ એક્વાટિક એસોસિએશન દ્વારા તા. ૨૬થી ૨૮ જૂન દરમિયાન અમદાવાદના સેવી સ્વરાજ્ય સ્પોર્ટ્સ સંકુલ ખાતે ૫૨મી ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપ-૨૦૨૬ (સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા માન્ય)નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બનેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં કચ્છની પ્રતિભાશાળી તરવૈયા હિમઘી ચૌહાણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હિમઘીએ ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉપરાંત ૫૦, ૧૦૦ અને ૨૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક તેમજ ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને ચાર સિલ્વર મેડલ જીત્યા હતા.
એક ગોલ્ડ અને ચાર સિલ્વર મેડલ સાથે હિમઘીએ રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં સ્વિમિંગ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન જ તેણીએ ૨૫થી વધુ મેડલ જીત્યા હોવાનું જાણવા મળે છે, જે તેની સતત મહેનત અને રમત પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિબિંબ છે. હિમઘીની આ સિદ્ધિ બદલ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના પ્રમુખ ‘સમાજ રત્ન’ વિનોદભાઈ સોલંકી તથા કેળવણી મંડળના પ્રમુખ ડૉ. મનોજભાઈ સોલંકીએ અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. હિમઘીની આ સફળતાને પગલે સમાજ સહિત વિવિધ ક્ષેત્રોમાંથી તેને અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
---------

Comments