કુકમા પંચાયતમાં મૃત ગાયોના નિકાલની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ
આરટીઆઈમાં સામે આવેલી વિગતોના આધારે જિલ્લા કલેક્ટરને રજૂઆત, જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
ભુજ-કચ્છઉદય : ભુજ તાલુકાના કુકમા ગામની જુથ ગ્રામ પંચાયત દ્વારા મૃત ગાયોના નિકાલની કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કુકમાના રહેવાસી પલણ પુનીત હરીશભાઈએ સમગ્ર મામલાની તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે માહિતી અધિકાર હેઠળ મૃત ગાયોના નિકાલ સંબંધિત ચુકવણાં, કોન્ટ્રાક્ટર તથા અન્ય વિગતો માંગવામાં આવી હતી. પ્રાપ્ત માહિતીના આધારે મૃત ગાયોના નામે ગેરરીતિપૂર્વક ચુકવણાં કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અરજી મુજબ વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧૯૫ મૃત ગાયો દર્શાવી પ્રતિ ગાય રૂા. ૫૦૦ના દરે કુલ રૂા. ૯૭,૫૦૦નું ચુકવણું કરવામાં આવ્યું હતું. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે એક જ સ્થળેથી અને એક જ વ્યક્તિના જણાવ્યા આધારે ૨૧ ગાયોના નિકાલની નોંધ કરવામાં આવી હતી. ઉપરાંત કેટલાક વાઉચરોમાં તલાટી-કમ-મંત્રીની સહી ન હોવા છતાં ચુકવણાં થયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.અરજદારના જણાવ્યા મુજબ ગામમાં રખડતી ગાયોની સંખ્યા મર્યાદિત હોવા છતાં દર વર્ષે મોટી સંખ્યામાં મૃત ગાયો દર્શાવી ખર્ચ બતાવવામાં આવે છે. મૃત ગાયોના નિકાલની વાસ્તવિક કામગીરી, સ્થળ અને નોંધપોથી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં તમામ બિલ, વાઉચર, ચુકવણાં અને કામગીરીના રેકોર્ડની તપાસ કરી હકીકત બહાર લાવવા તેમજ ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ ગ્રામ વિકાસ કમિશ્નર સહિત સંબંધિત વિભાગો અને મીડિયાને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
-----

Comments