માંડવીની ખલ્ફાન સ્કૂલના વિકાસ માટે ધારાસભ્ય દ્વારા ૫ લાખની ગ્રાન્ટ મંજૂર
કમ્પાઉન્ડ વોલ અને મધ્યાહન ભોજન શેડનું નિર્માણનું કામ હાથ ધરાશે
માંડવી - કચ્છઉદય : માંડવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા શિક્ષણ અને જનકલ્યાણના કાર્યોને વેગ આપતાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્યશ્રીએ વર્ષ ૨૦૨૫-૨૬ ની પોતાની વિકાસકાર્યોની ગ્રાન્ટમાંથી માંડવી શહેરી વિસ્તારમાં બંદર રોડ પર આવેલી ખલ્ફાન સ્કૂલના વિકાસ અર્થે કુલ રૂપિયા પાંચ લાખની માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે જિલ્લા આયોજન અધિકારીશ્રીને વિધિવત રીતે પત્ર પાઠવીને કામોની ભલામણ કરી દીધી છે.આ ગ્રાન્ટ અંતર્ગત શાળાની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને બે અલગ-અલગ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. જેમાં ખલ્ફાન સ્કૂલની કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્ય માટે રૂપિયા ૩ લાખ અને વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન શેડ બનાવવાના કામ માટે રૂપિયા ૨ લાખ ફાળવવામાં આવ્યા છે. ધારાસભ્યશ્રીના આ શિક્ષણપ્રેમી અભિગમ અને ઉદાર સહયોગ બદલ શાળા પરિવાર તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી શાળાના બાળકોને વધુ સુરક્ષિત અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ મળી રહેશે.
---------

Comments