Trending News
ક્રાઈમ

એસએમસીએ જુગારધામ પર દરોડો પાડીને ૪૫.૨૭ લાખનો મુદ્દામાલ કબજે

02 July


સેડાતા-ભારાપર જંગલ વિસ્તારમાં મધરાત્રિએ કાર્યવાહી : ૭ ઝડપાયા, ૧૦ ફરાર : રૂા. ૯.૩૬ લાખ રોકડ, ૯ વાહનો, ૯ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયા

ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સેડાતા-ભારાપર ગામની સીમમાં જંગલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા મધરાત્રિએ જુગારધામ પર મેગા દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન કુલ રૂા. ૪૫,૨૭,૦૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.એસએમસીની ટીમે દરોડા દરમિયાન રૂા. ૯,૩૬,૪૮૦ની રોકડ રકમ, રૂા. ૩૨,૮૦,૦૦૦ કિંમતના ૯ વાહનો, રૂા. ૨,૯૫,૦૦૦ કિંમતના ૯ મોબાઇલ ફોન તેમજ રૂા. ૧૫,૬૦૦નો અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કુલ ૭ આરોપીઓને ઝડપી પાડી માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે ૧૦ આરોપીઓ હજુ ફરાર છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ઝડપાયેલા આરોપીઓમાં ભીમજીભાઈ વાલજીભાઈ વાણિયા (સેક્ટર-૪, આદિપુર), જુસબશા જામનશા શેખ (શેખટીંબા, અંજાર) જુગારના ભાગીદાર, ધનજી પાબુભાઈ ગોલકર (પીપવાડા, સાંતલપુર, પાટણ), મહેબૂબ સત્તારભાઈ બાયડ (સંયોગનગર, ભુજ), મુરાદ અલારખા મીર (લાકડિયા, ભચાઉ), મોહન કરશનજી રાજગોર (આશાપુરા નગર, ભુજ), જુસબ ઇબ્રાહિમ સમેજા (અંજાર)ને પકડી પાડ્યા છે. તો અબ્બાસ ઇબ્રાહિમ શેખ (અંજાર) મુખ્ય આરોપી, મનીષ હરિલાલ રાજગોર (ભુજ) જુગારનો ભાગીદાર, તેમજ વિવિધ વાહનોના ૮ ડ્રાઇવર/રાઇડર સહિત કુલ ૧૦ આરોપીઓ ફરાર છે. આ સમગ્ર કાર્યવાહી એસએમસીના પીએસઆઈ ડી.એ. તુવરના નેતૃત્વમાં કરવામાં આવી હતી. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
---

Comments

COMMENT / REPLY FROM