સેડાતા-જદુરા સીમમાં જુગારધામ પર એસએમસીનો દરોડોઃ અંદાજીત રોકડા ૯ લાખ સાથે ૭થી વધુ ખેલી દબોચાયા
પશ્ચિમ કચ્છમાં એક જ દિવસમાં બે સ્થળોએ ગાંધીનગરથી દરોડા પડતા ખાખીના ભવાં ઉંચા..
સ્થાનિક માનકુવા પોલીસ સામે ઉઠતા આક્ષેપો વચ્ચે રાજ્ય સ્તરની ટીમની કાર્યવાહી : પાંચથી વધુ આરોપી ફરાર હોવાની પણ ચર્ચાએ ગરમી પકડી : લાંબા સમયથી ચાલતા જુગાર-દારૂના અડ્ડાઓ મુદ્દે ફરી ચર્ચા
ભુજ - કચ્છઉદય : તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સેડાતા-ભારાપર જદુરા સીમ વિસ્તારમાં ગાંધીનગરની એસએમસીની ટીમે ગત મધરાત્રિએ જુગારધામ પર દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.૯ લાખની રોકડ રકમ, ૭થી ૮ વાહનો કબજે લેવાયા હોવાનું તેમજ ૭ જેટલા ખેલીની અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બપોર સુધી પંચનામા સહિતની કાર્યવાહી ચાલુ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા હતા. તેમ છતાં સ્થાનિક સ્તરે કોઈ નોંધપાત્ર કાર્યવાહી ન થતાં ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલને દરોડો પાડવો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ પણ માનકુવા પોલીસ મથક હેઠળના કેરા સહિતના વિસ્તારોમાં એસએમસી દ્વારા દારૂના અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે હાલ દરોડાની સત્તાવાર વિગતો જાહેર થઈ નથી. રોકડ રકમ, વાહનો અને આરોપીઓની સંખ્યા સહિતની માહિતી પ્રાથમિક સૂત્રોના આધારે છે. આ બાબતે માનકુવા પીઆઈનો સંપર્ક થઈ શક્યો
ન હતો.

Comments