Trending News
સ્થાનિક સમાચાર

- તો તળાવ ખાણેતરાના નામે કચ્છમાંથી  રાજયના સૌથી મોટા કૌભાંડનો થાય પર્દાફાશ 

02 July

રાજય વિજિલન્સ કે એસએમસી બોલાવે સપાટો


વિકાસના કામોની  આડમાં સરકારી ખનીજ સંપદાનું મસમોટું લૂંટ કૌભાંડ : “તળાવ ખાણેતરાની આડમાં ખનીજ ચોરીની નવી મોડ્‌સ ઓપરેન્ડી ખુલે

 પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારીયાનું સળગતું નિવેદન : સરકારી વિભાગોના સમર્થનથી ચાલતી ખનીજ ચોરીની નવી મોડ્‌સ ઓપરેન્ડી : કચ્છમાં સિંચાઈ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભૂતકાળમાં અપાયેલી મંજૂરીઓ બાદ હવે મત્સ્ય વિભાગ સહિતના અન્ય તંત્રોમાં પણ તળાવ મંજૂરીની પ્રક્રિયાઓ શંકાના દાયરામાં : ઘણા વિભાગો માત્ર સાઇટ વિઝિટે જઈને મનસ્વી રીતે સોંપી દે છે કામગીરી :  બેદરકારીનો લાભ લઈને કોન્ટ્રાક્ટરો મંજૂર થયેલા ક્ષેત્રની બહાર જઈને  શરૂ કરી દે છે ગેરકાયદેસર ખોદકામ


ઃવાસ્તવિક સ્થળ તપાસ, ખોદકામની ઊંડાઈ અને ત્યાંથી નીકળેલા ખનીજના જથ્થાના હિસાબોની તટસ્થતાથી ફોરેન્સિક ચકાસણી કરવામાં આવે, તો ગુજરાતનું સૌથી મોટું ખનીજ ચોરી કૌભાંડ બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ : જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો મત


કચ્છ કલેકટર શ્રી રાણાવસીયા આ બાબતે કેમ વિવિધ સબંધિત તંત્રોના જવાબદારોને તેડાવી અને ન કરાવે સંકલન? ખનીજ વિભાગની જાણ બહાર જ અન્ય સરકારી વિભાગો દ્વારા તળાવ ખોદકામ માટે સીધા વર્ક ઓર્ડર જાહેર કરી દેવામાં આવે છે  સિંચાઈ-ગ્રામ વિકાસ એજન્સી, મત્યસ્યઉદ્યોગ, વનવિભાગ, રેવેન્યુ વિભાગ સહિતનાઓ તળાવ-ખાણેતરાની કામગીરીમાં સંકળાયેલા હોય તે બધાયની બેઠક બોલાવી, ખાણખનિજ વિભાગના અધિકારીનો અભિપ્રાય મેળવવા સંદર્ભે સંકલન કરાવવુ ખુબજ જરૂરી



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાની અફાટ ભૌગોલિકતા અને તેની ધરામાં છુપાયેલી અમૂલ્ય ખનીજ સંપદા પર લાંબા સમયથી માફિયાઓની નજર રહી છે, પરંતુ તાજેતરમાં ખનીજ ચોરી માટે એક અત્યંત ચોંકાવનારી અને શાતિર મોડ્‌સ ઓપરેન્ડી સામે આવી છે. જિલ્લામાં વિવિધ સરકારી વિભાગો દ્વારા જનકલ્યાણ અર્થે મંજૂર કરવામાં આવતા તળાવ ખોદકામ, ડેમ નિર્માણ અને ખાણેતરાની મંજૂરી મેળવીને તેની આડમાં કિંમતી ખનીજ તત્ત્વોને ગેરકાયદેસર રીતે ઉસેડવામાં આવી રહ્યા છે. સરકારી યોજનાઓ અને વિકાસના કાર્યોને એક મજબૂત કવચ બનાવીને ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન, પરિવહન અને વેચાણનું મસમોટું નેટવર્ક કાર્યરત બન્યું છે. ભ્રષ્ટાચારના આ ગર્ભિત ખેલમાં ચોંકાવનારી બાબત એ છે કે જે વિભાગ પાસે આ અસ્કયામતોની રક્ષાની જવાબદારી છે, તેની જ 
સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી રહી છે.“પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારી અને ભુસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારીયાએ આ સમગ્ર ગેરરીતિઓ અંગેજણાવ્યું છે કે ખનીજ વિભાગની જાણ બહાર જ અન્ય સરકારી વિભાગો દ્વારા તળાવ ખોદકામ માટે સીધા વર્ક ઓર્ડર જાહેર કરી દેવામાં આવે છે. નિયમ મુજબ કોઈપણ વિસ્તારમાં ઉત્ખનન સંબંધિત ભૌતિક પ્રક્રિયા હાથ ધરતા પહેલાં તે સ્થળની વિઝિટ કરવી અને ખાણ ખનીજ વિભાગનો સત્તાવાર ટેકનિકલ અભિપ્રાય મેળવવો અનિવાર્ય છે. આમ કરવાથી જે-તે વિસ્તાર ખનીજસભર છે કે કેમ અને ભવિષ્યમાં ત્યાં કોઈ સરકારી બ્લોક નિર્ધારિત કરાયેલ છે કે નહીં તેની સ્પષ્ટતા થઈ શકે. પરંતુ વહીવટી તંત્રના વિવિધ વિભાગો આ મહત્વપૂર્ણ પ્રક્રિયાને સદંતર નેવે મૂકીને મંજૂરીઓ આપી રહ્યા છે, જે વહીવટી પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કરે છે.“ભુસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારીયાના જણાવ્યા અનુસાર, અગાઉ સુજલામ સુફલામ યોજનાની શરૂઆતમાં જે-તે ડિપાર્ટમેન્ટ પોતાની રીતે જ વર્ક ઓર્ડર ઇશ્યૂ કરી દેતા હતા. છેલ્લા થોડા સમયથી અમુક કિસ્સાઓમાં અભિપ્રાય લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ હજી પણ ઘણા વિભાગો માત્ર સાઇટ વિઝિટે જઈને મનસ્વી રીતે કામગીરી સોંપી દે છે. આ બેદરકારીનો લાભ લઈને કોન્ટ્રાક્ટરો મંજૂર થયેલા ક્ષેત્રની બહાર જઈને ગેરકાયદેસર ખોદકામ શરૂ કરી દે છે. ગત વર્ષે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે આ જ પ્રકારે તળાવ ખાણેતરાની આડમાં ચાલતી અંદાજે દોઢ કરોડ રૂપિયાની મસમોટી ખનીજ ચોરી ઝડપી પાડીને કડક કાર્યવાહી કરી હતી.“કચ્છમાં સિંચાઈ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભૂતકાળમાં અપાયેલી મંજૂરીઓ બાદ હવે મત્સ્ય વિભાગ સહિતના અન્ય તંત્રોમાં પણ તળાવ મંજૂરીની પ્રક્રિયાઓ શંકાના દાયરામાં આવી છે. કચ્છ જિલ્લાના જાગૃત નાગરિકો જણાવે છે કે, જો આ તમામ વિભાગો દ્વારા આપવામાં આવેલી પરવાનગીઓ, વાસ્તવિક સ્થળ તપાસ, ખોદકામની ઊંડાઈ અને ત્યાંથી નીકળેલા ખનીજના જથ્થાના હિસાબોની તટસ્થતાથી ફોરેન્સિક ચકાસણી કરવામાં આવે, તો ગુજરાતનું સૌથી મોટું ખનીજ ચોરી કૌભાંડ બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. તળાવ ખોદકામના નામે માત્ર સાદી માટી કાઢવાને બદલે અન્ય કિંમતી ખનીજોની હેરાફેરી થઈ રહી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે તે સામાન્ય જનતા માટે એક વણઉકેલાયેલો કોયડો બન્યો છે.“જ્યારે ખુદ સત્તાવાર પદ પર બેઠેલા જવાબદાર ભુસ્તરશાસ્ત્રી સ્વીકારી રહ્યા હોય કે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને સરકારી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ છે, ત્યારે સવાલ એ થાય છે કે આ મિલીભગતમાં સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ અને માફિયાઓ સામે કાનૂની ગાળિયો ક્યારે કસાશે? વિકાસના કાર્યો માટે નક્કી કરાયેલી શરતોનો ભંગ કરીને માટીની આડમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે માત્ર દંડનીય કાર્યવાહી પૂરતી નથી, પરંતુ ગુનાહિત કાવતરા અંતર્ગત કડક આદેશો છૂટવા જોઈએ. જ્યાં સુધી મંજૂરી આપનાર તમામ વિભાગોની આંતરિક ભૂમિકા તપાસવામાં નહીં આવે સુધી આ મસમોટા કૌભાંડના મૂળ સુધી પહોંચવું અશક્ય રહેશે.

Comments

COMMENT / REPLY FROM