સાયબર ઠગાઈથી બચવા માટે સાવધાની અનિવાર્ય
ભુજની ચાણક્ય કૉલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે પોલીસ દ્વારા ‘સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ’ યોજાયો
ભુજ - કચ્છઉદય : બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવાના હેતુથી સાયબર અવેરનેસ પ્રોગ્રામ યોજવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એચ. યાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. પી. મોખા અને ડી.આર. કટારિયા દ્વારા ભુજની ચાણક્ય કૉલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ જાગૃતિ કાર્યક્રમમાં ૫૦થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ, સાયબર સિક્યોરિટી અને સેફ્ટી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને વર્તમાન સમયમાં વિડીયો કોલ મારફતે થઈ રહેલા ડીજીટલ અરેસ્ટ અને બેંકોને લગતા નાણાકીય ફ્રોડ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમથી બચવા માટે શું સાવધાની રાખવી તે સમજાવતા જણાવાયું હતું કે, જો કોઈ સાયબર ક્રાઇમનો બનાવ બને તો વિના વિલંબે ૧૯૩૦ પર કોલ કરવો અથવા વેબસાઇટ પર જઈને ફરિયાદ નોંધાવવી અને જિલ્લામાં કાર્યરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો.લોકોને નાણાકીય છેતરપિંડીથી બચાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી હતી. બેંકમાંથી માહિતી માંગતા કોઈપણ ફોન કોલનો જવાબ આપવો નહીં અને જરૂર જણાય તો રૂબરૂ બેંકમાં જઈને જ માહિતીની આપ-લે કરવી. ગૂગલ કે ફેસબુક પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર પર ભરોસો કરવાને બદલે માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ નંબર લેવો. ફોન પર વાત કરતી વખતે બેંકની માહિતી, ઓટીપી, સીવીવી કે ગુપ્ત પીન ક્યારેય શેર ન કરવા તેમજ ફોન કરનારના કહેવાથી કોઈપણ અજાણી એપ્લિકેશન મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવી નહીં. આ ઉપરાંત ટૂંકાગાળાની લોન આપતી ઇન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનું ટાળવા અને ’સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી’ નો મંત્ર અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કૉલેજના ઇન્ચાર્જ ડૉ. ઈરા મહેતા, પ્રોફેસર પૂજા જોગી, ચાંદની ઝોલાપુરા, મેઘના કકડ, માનસી પંડ્યા, દિક્ષિતા નંદા અને કૉલેજના જનરલ મેનેજર સોહીત પલણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન એમ. આઇ. બાયડ અને સંચાલન યાવી મણિયાર દ્વારા કરવામાં આવ્યું હતું.
---------

Comments