કચ્છમાં અલગ-અલગ વિસ્તારોમાં ૧૦ દરોડા પાડી બાળ શ્રમિકોને મુક્ત કરાવાયા
બાળ મજૂરી નાબૂદી માસ અંતર્ગત સઘન ઝુંબેશ હાથ ધરાઈ
ભુજ - કચ્છઉદય : ૧૨મી જૂન એટલે કે "વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ" ની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જૂન મહિના દરમિયાન બાળ મજૂરી નાબૂદી માટે એક વિશેષ અને સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ગાંધીધામ દ્વારા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ સાથે મળીને અલગ-અલગ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓ અને વિસ્તારોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી અને કુલ ૧૦ સ્થળોએ આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સઘન કાર્યવાહી દરમિયાન ભુજ શહેરમાંથી ૧ બાળ શ્રમિકને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યો છે અને બાળ મજૂરી કરાવનાર સંબંધિત સંસ્થા કે માલિક વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેવી જ રીતે નખત્રાણા ખાતેથી પણ ૧ બાળ શ્રમિકને મુક્ત કરાવીને બાળ મજૂરી કરાવનાર સંબંધિત સંસ્થા કે માલિક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત માંડવી વિસ્તારમાંથી ૨ તરુણ શ્રમયોગીઓ (કિશોરો) ને મુક્ત કરાવી સંબંધિત સંસ્થાને કડક નોટિસ ફટકારવામાં આવી છે. જો આ નોટિસનો સંતોષકારક જવાબ અથવા પૂર્તતા કરવામાં નહીં આવે, તો તે સંસ્થા વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત, અંજાર, ભચાઉ અને ગાંધીધામ ખાતે આવેલા વિવિધ નાના-મોટા ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ અને વ્યાપારી સંસ્થાનોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરીને દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી એ કાયદાકીય ગુનો છે. કચ્છ જિલ્લાને બાળ મજૂરી મુક્ત બનાવવા માટે તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. કચેરી દ્વારા જિલ્લાના તમામ વેપારીઓ, હોટેલ-ઢાબાના માલિકો અને ઔદ્યોગિક એકમોને કડક સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતાના એકમોમાં કોઈ પણ બાળ શ્રમિકને કામે ન રાખે. આ સાથે જ, જો કોઈ નાગરિકને ક્યાંય પણ બાળ મજૂરી થતી હોવાનું માલૂમ પડે, તો તુરંત જ શ્રમ વિભાગ અથવા ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
-------

Comments