અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આયોજિત રાજય કારોબારી બેઠક રાજકોટ ખાતે યોજાઈ
કચ્છ જિલ્લા વતી પ્રાથમિક-માધ્યમિક સંવર્ગના અપેક્ષિત કાર્યકર્તા જોડાયા : પ્રાંત બેઠકમાં મૂળજીભાઈ ગઢવીને શિક્ષણ સેવા વર્ગ-૨ સંવર્ગ-ગુજરાતમાં સંગઠનમંત્રી અને રમેશભાઈ ગાગલને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાત પ્રાંત મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ
ભુજ - કચ્છઉદય : રાજકોટ સ્થિત સેવા ભારતી પરિસર, અમૂલ સર્કલ, રાજકોટમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંતની પ્રાંત કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી ૪૦૦થી વધુ જવાબદાર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકની શરૂઆત સંગઠન ગીતથી મૂળજીભાઈ ગઢવી દ્વારા કરાઈ હતી.ત્યારબાદ પ્રોટોકોલ મુજબ મોહનજી પુરોહિત, ભીખાભાઈ પટેલ, મિતેશભાઈ ભટ્ટ, પરેશભાઈ પટેલ અને સરદારસિંહ મચ્છરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પ્રતિક્ષાબેન દ્વારા સરસ્વતી વંદના રજૂ કરી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને પ્રેરણાદાયી બનાવવામાં આવ્યું હતું. પ્રથમ સત્રમાં પરેશભાઈ પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુુ. ટેટ પ્રશ્નને લઈને રાજ્યવ્યાપી થયેલા ધરણા કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે રહ્યું હોવાનું જણાવાયું હતું. માતૃશક્તિ વંદના કાર્યક્રમ અંગે પલ્લવીબેન પટેલે વિગતવાર માહિતી આપી હતી.ચિરાગભાઈ પટેલે વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકીય હિસાબો રજૂ કર્યા હતા.પ્રાથમિક વિભાગના અધ્યક્ષ અનિરૂદ્ધસિંહ સોલંકીએ સંગઠનની સૌથી મોટી શક્તિ તેની સદસ્યતા હોવાનું જણાવતાં ગત વર્ષે ૧.૨૫ લાખ સભ્યસંખ્યાના સીમાચિહ્નનો ઉલ્લેખ કર્યો હતો. મોહનજી પુરોહિતે આગામી ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાનારા ગુરુ વંદન કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.બેઠકના દ્વિતીય અને તૃતીય સત્રમાં આગામી સદસ્યતા પર્વ, સંગઠન વિસ્તાર અને સમગ્ર રાજ્યમાંથી પ્રાપ્ત થયેલા શિક્ષક મિત્રોના પ્રાણપ્રશ્નો અંગે સંભાગવાર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિનિધિઓએ શિક્ષકોના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કર્યા અને તેના ઉકેલ માટે સંગઠનના આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. અંતિમ સત્રમાં પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, શિક્ષકોના વર્ષોથી પડતર રહેલા પ્રાણપ્રશ્નોના યોગ્ય અને સમયબદ્ધ ઉકેલ માટે સરકારને અંતિમ તક આપવામાં આવશે. જો યોગ્ય સમાધાન નહીં આવે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સમગ્ર રાજ્યમાં શિક્ષકોના હિત માટે લોકશાહી અને બંધારણીય માર્ગે સશક્ત આંદોલન કરશે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લા રાજકોટના અધ્યક્ષ સંજયભાઈ હુંબલ, મહામંત્રી સાગરભાઈ પોપટ અને સંગઠન મંત્રી રામલાલભાઈ શિંગાળા એ જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રાંત કારોબારી માત્ર એક બેઠક નહોતી, પરંતુ શિક્ષકોના સ્વાભિમાન, શિક્ષણના રાષ્ટ્રીય પુનર્જાગરણ અને સંગઠનની અવિરત સેવાયાત્રાનું સંકલ્પ સમારોહ બની રહી. શિક્ષક સમાજના હિત માટે સંઘર્ષ અને સેવા - આ બંનેને સમાન પ્રાધાન્ય આપતા મહાસંઘે ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપ્યો કે "શિક્ષકનું સન્માન, શિક્ષણનો ઉત્કર્ષ અને રાષ્ટ્રનિર્માણ" એ જ સંગઠનનો અડગ ધ્યેય છે.રાજય કારોબારી બેઠકમાં પ્રાથમિક-માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા વતિ મુળજીભાઈ ગઢવી, નયનભાઈ વાંજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ ગાગલ, મયુરભાઈ પટેલ, અમરાભાઈ રબારી, કાંતિભાઈ રોઝ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરૂણભાઈ શાહની યાદીમાં જણાવાયું હતું.
-------------

Comments