ભચાઉના ચીરઈમાં માનવતાને શર્મસાર કરતો સનસનાટીભર્યો હત્યાકાંડ : બકરાના વાડામાં ગેરકાયદે વીજ કરંટ મૂકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
લાશ નાળામાં ફેંકી પુરાવાનો નાશ કરનાર બે ઝડપાયા : સારવાર આપવાના બદલે લાશ સગેવગે કરી દીધી
ભચાઉઃ ભચાઉ તાલુકાના ચીરઈ ગામે માનવતાને શર્મસાર કરતી અને કાયદાકીય કાવતરાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બકરાના વાડામાં ગેરકાયદેસર રીતે ગોઠવેલા જીવંત વીજ કરંટની ઝપેટમાં આવી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જેને છુપાવવા માટે વાડાના માલિકોએ લાશને નાળામાં ફેંકી દીધી હતી. આ ચોંકાવનારા મામલે મૃતકની માતા સકિનાબેન ભટ્ટી (રહે. હિમતપુરા, ભચાઉ) એ ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.બનાવની વિગત એવી છે કે, ચીરઈ ગામે રહેતા આરોપી હાજી મખ્ખણ જતે પોતાના બકરાની સુરક્ષાના બહાને વાડાની ફરતે લોખંડની જાળીનું ફેન્સિંગ બનાવી તેમાં જોખમી રીતે જીવંત વીજ કરંટ છોડ્યો હતો. આ દરમિયાન ફરિયાદીનો દીકરા સોયબઅલી ત્યાંથી પસાર થતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. સોયબઅલી જીવતો હોવા છતાં, આરોપી હાજી મખ્ખણ જત અને અનવર ઉમર જતે તેને હોસ્પિટલ લઈ જવાના બદલે ગુનાહિત કાવતરું રચ્યું હતું. બંને
આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે સોયબઅલીને પીકઅપ ડાલામાં નાખી ચીરઈથી પશુડા તરફ જતા રોડ પર આવેલા પાણીના નાળામાં ફેંકી દીધો હતો, જ્યાં સમયસર સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું હતું. ભચાઉ પોલીસ મથકના પી.આઈ. ડી.ડી. ઝાલાએ આ મામલે મ્દ્ગજી કલમ ૧૦૫, ૨૩૮(ખ), ૬૧(૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Comments