Trending News
સ્થાનિક સમાચાર

ભાડાની વિલંબિત જમીન સંપાદન નીતિ સામે સવાલો : ખાનગી માલિકોની રોડ માટે છોડાયેલી જમીન પરત સોંપવાની માંગ

30 June

હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકની રજૂઆત

ભુજ - કચ્છઉદય : કચ્છમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી (ભાડા)ની રચના કરવામાં આવી હતી. ભાડા દ્વારા શહેરના વિકાસ માટે વિકાસ યોજના (ડેવલપમેન્ટ પ્લાન) તૈયાર કરવામાં આવ્યો હતો.આ યોજના મુજબ ભુજ શહેરની ચારે તરફના રિંગ રોડ તથા આંતરિક માર્ગોને એકબીજા સાથે જોડતા માર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું.યોજનામાં જો કોઈ ખાનગી માલિકીની જમીન રોડ માટે અનામત આવતી હોય તો તે જમીનનું બિનખેતી (નોન એગ્રીકલ્ચર - એનએ) રૂપાંતર કરતી વખતે વિકાસ યોજનામાં રોડ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભાડા દ્વારા મંજૂર કરાયેલા નકશામાં જ્યાં રોડ દર્શાવવામાં આવ્યો હોય ત્યાં જરૂરી જમીન કપાત કરીને જ નકશો મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, છેલ્લા લગભગ ૨૫ વર્ષથી રોડ માટે છોડવામાં આવેલી ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવ્યું નથી કે નથી કોઈ નવા રોડ ડેવલોપમેન્ટ કરવામાં આવ્યા. આ અંગે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે ભાડાની વિલંબિત અને વિસંગત નીતિ અંગે હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, કલમ ૨૦(૨) મુજબ જો ઓથોરિટી દસ વર્ષની અંદર જમીનનું સંપાદન ન કરે તો જમીન માલિક ઓથોરિટીને લેખિત રજૂઆત કરી શકે છે. ત્યારબાદ છ મહિનાની અંદર પણ રોડ માટે છોડાયેલી જમીનનું સંપાદન ન થાય તો તે જમીન પરનું અનામતીકરણ આપોઆપ રદ થઈ શકે છે. એટલે કે જમીન પર માલિકનો સંપૂર્ણ હક યથાવત રહે છે અને ત્યારબાદ ઓથોરિટી તે જમીન પર સંપાદનની કાર્યવાહી કરી શકતી નથી. હાઇકોર્ટે આ બાબત સ્પષ્ટ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવી અનેક ખાનગી જમીનો ઓથોરિટી અને સરકારી વિભાગોની નીતિના કારણે વર્ષોથી અટવાયેલી છે. ન તો સરકાર તેનો ઉપયોગ કરી રહી છે, ન તો ખાનગી માલિકો તેનો વિકાસ કરી શકે છે. પરિણામે કિંમતી જમીનો વર્ષોથી બિનઉપયોગી બની ધૂળ ખાઈ રહી છે. રાજેન્દ્ર ટાંકે જણાવ્યું હતું કે, સરકારે આવી જમીનોનું તાત્કાલિક સંપાદન કરીને તેના પર માર્ગ સહિતના વિકાસ કાર્યો હાથ ધરવા જોઈએ અથવા જો તેનો ઉપયોગ કરવાનો ન હોય તો મૂળ ખાનગી માલિકોને જમીન પરત સોંપવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, વિકાસ યોજનાઓ દરમિયાન ખાનગી માલિકોને રોડ માટે જમીન છોડવા કહેવામાં આવે છે, પરંતુ ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી વર્ષો સુધી તે જમીન પર કોઈ માર્ગ વિકાસ કરવામાં આવતો નથી પરિણામે સરકાર અને જમીન માલિક બંને માટે જમીન નિષ્ક્રિય બની રહે છે. આવી બેવડી નીતિને બદલે ભાડા અને મહેસૂલ વિભાગે સ્પષ્ટ નીતિ અમલમાં મૂકી વર્ષોથી પડતર રહેલી કિંમતી જમીનનો યોગ્ય ઉપયોગ કરવો અથવા તે મૂળ માલિકોને પરત સોંપવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી

Comments

COMMENT / REPLY FROM