Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં મકાન અપાવવાના બહાને વૃદ્ધ સાથે ૭૨ લાખ રૂપિયાની છેતરપિંડી

30 June

બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ : ભુજ મધ્યે પ્લોટ-મકાન ખરીદવાની લાલચ આપી કટકે-કટકે રોકડા અને ચેકથી રકમ પડાવી ફોન બંધ કરી દીધા

ભુજ - કચ્છઉદય : ભુજ શહેરમાં મકાન ખરીદવાના બહાને એક વૃદ્ધ વેપારી સાથે ૭૨ લાખ રૂપિયાની પ્રચંડ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભુજના હોસ્પિટલ રોડ પર વિજયનગર સોસાયટીમાં રહેતા અને બસ સ્ટેશન રોડ પાસે ડબલરોટીની દુકાન ચલાવતા ૭૪ વર્ષીય વૃદ્ધ તુલસીદાસ ચત્રભુજ સેજપાલ સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે તેમણે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગત એવી છે કે, ભુજમાં છેલ્લા ૫૦ વર્ષથી વ્યવસાય કરતા તુલસીદાસ સેજપાલને ત્યાં અગાઉ નોકરી કરી ચૂકેલો યુનસ હારૂન કાતીયાર અને તેનો મિત્ર ઇકબાલ સુલેમાન લોહારવાઢા માર્ચ ૨૦૨૫ના ગાળામાં વેપારી પાસે આવ્યા હતા. આ બંને શખ્સોએ ભુજના વાલરામ નગર મધ્યે આવેલું પ્લોટ નંબર ૧૧૫ વાળું રહેણાંક મકાન પોતાની માલિકીનું હોવાનું જણાવી ૭૫ લાખ રૂપિયામાં વેચવાની ઓફર કરી હતી. વેપારીએ બજાર કિંમત મુજબ ૭૦ લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. સાટા કરાર કરવાના બદલે સીધો જ દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી બંને શખ્સોએ વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો.ત્યારબાદ મે ૨૦૨૫માં બંને આરોપીઓએ વેપારીના ઘરે જઈ દસ્તાવેજ લખવા આપી દીધો હોવાનું કહી એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેંકનો ૧૮.૫૦ લાખ રૂપિયાનો ચેક તેમજ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી સહિત કુલ ૫૩.૫૦ લાખ રૂપિયા રોકડા મેળવ્યા હતા. આમ, આરોપીઓએ કટકે-કટકે કુલ ૭૨,૦૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા અને ચેક પણ વટાવી લીધો હતો. ૧૬ મે ૨૦૨૫ના રોજ આરોપી ઇકબાલે ફોન કરીને દસ્તાવેજની નોંધણી માટે ટોકન મળી ગયું હોવાનું કહી વેપારીને રજીસ્ટ્રાર ઓફિસે બોલાવ્યા હતા. જો કે, વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે બંને આરોપીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. વેપારીએ ત્યાં જઈને દસ્તાવેજ તપાસતા તે મકાન પરાગ ભગલાણી અને નૂતનબેન ભગલાણીના નામે હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ શરૂઆતમાં બહાનાબાજી કરીને મામલો ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય જતાં તેમણે ફોન ઉપાડવાના સાવ બંધ કરી દીધા હતા.આખરે વેપારીએ મકાનના મૂળ માલિક પરાગભાઈનો સંપર્ક સાધતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓએ માત્ર ૫,૧૦૦ રૂપિયા સોદા પેટે આપીને મકાન ખરીદવાની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેઓ ક્યારેય પાછા આવ્યા જ નહોતા અને સોદો રદ થઈ ગયો હતો. છેતરાયા હોવાનો અહેસાસ થતાં વેપારીએ બંને આરોપીઓ પાસે પોતાના રૂપિયા પાછા માંગ્યા હતા, જેના જવાબમાં આરોપીઓએ રૂપિયા પાછા નહીં મળે અને થાય તે કરી લેજો તેવી ધમકી આપી હતી. અવારનવાર વાયદા કરવા છતાં રૂપિયા ન મળતા આખરે વૃદ્ધે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે યુનસ હારૂન કાતીયાર અને ઇકબાલ સુલેમાન લોહારવાઢા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એન.એસ.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાગ્યશ્રી શ્રીમાળીને સોંપી છે.

Comments

COMMENT / REPLY FROM