ગુજરાતમાં ૨૦૧૯-૨૦થી પાક વિમા યોજના બંધ રાખી ખેડૂતોને અન્યાય કરતી રાજ્ય સરકાર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય કેબિનેટ કૃષિ મંત્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લખાયેલા પત્રની નકલો રજૂ કરીને કર્યો ખુલાસો
અમદાવાદ - કચ્છઉદય : સમગ્ર દેશના ખેડૂતો જ્યારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી પાક વિમા યોજનાનો લાભ મેળવી રહ્યા છે, ત્યારે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વર્ષ ૨૦૧૯-૨૦થી આ યોજના અમલમાં નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સંસદમાં ઉઠાવેલા મુદ્દા અને કેન્દ્રીય કેબિનેટ કૃષિ મંત્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લખાયેલા પત્રની નકલો પ્રેસ મીડિયા સમક્ષ રજૂ કરીને આ બાબતનો મોટો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે કુદરતી આફતો, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના સમયે આ યોજના ખેડૂતો માટે અત્યંત ઉપયોગી છે, જેમાં વાવણીથી લઈને શાકભાજી અને વૃક્ષોના નુકસાન સામે પણ પૂરું વળતર મળે છે. કેન્દ્ર સરકારની વારંવારની વિનંતી છતાં ગુજરાતની ભાજપ સરકારે આ યોજનાનો અસ્વીકાર કર્યો હોવાથી, ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા કરોડો રૂપિયાના નુકસાન સામે ખેડૂતોને માત્ર મર્યાદિત અને સાવ નજીવું વળતર જ મળી શક્યું હતું, જે બિયારણના ખર્ચ જેટલું પણ નહોતું.
હાલમાં જ્યારે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે અને અલ-નીનોની સંભવિત અસરને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાત સરકાર પાસે આકરા સવાલો સાથે પાયાની માંગણીઓ દોહરાવી છે. કોંગ્રેસે માંગ કરી છે કે કેન્દ્ર સરકારની ભલામણ છતાં ખેડૂતોને આ મહત્વપૂર્ણ લાભથી વંચિત રાખી આર્થિક રીતે પાયમાલ કરવા બદલ રાજ્ય સરકાર ખુલાસો કરે અને ખેડૂતોની માફી માંગે. આ સાથે જ ગત વર્ષના નુકસાનનું પૂરું વળતર ચૂકવવાની અને વર્તમાન કટોકટીભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રની પ્રધાનમંત્રી પાક વિમા યોજના તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Comments