Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના પ્રતાપપરની સીમમાંથી ૧૫.૪૦ લાખનો વિદેશી દારૂ અને બિયર ઝડપાયો

30 June

એલસીબીના સફળ દરોડામાં ૫૫.૧૦ લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે : દારૂનું અન્ય વાહનોમાં કટિંગ થતું હતું ત્યારે જ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાડેલી રેડમાં પાંચ વાહનો સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો

ભુજ - કચ્છઉદય : સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની પોલીસ ટીમ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ વોચમાં હતી. તે દરમિયાન મળેલી એક ખાનગી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે પ્રતાપપર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને ખાનગી રાહે એવી ચોક્કસ માહિતી મળી હતી કે, દેવરાજ ગોપાલ ગઢવી નામનો ઇસમ તેના સાગરીતો સાથે મળીને ગુજરાત રાજ્ય બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો એક ટ્રકમાં ભરીને લાવ્યો છે. આ જથ્થો મુંદરાના પ્રતાપપર ગામની પૂર્વ બાજુએ આવેલી સીમ વિસ્તારમાં ઉતારીને અલગ-અલગ વાહનોમાં તેનું કટિંગ કરી વહેંચણી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક તે સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો, વિવિધ વાહનો તથા અન્ય સામગ્રી મળી આવી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૫,૭૭૨ નંગ બોટલો તેમજ વિવિધ કંપનીના ૧,૫૮૪ નંગ બિયરના ટીન કબ્જે કર્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા ૧૫,૪૦,૨૮૪ થાય છે. આ સાથે જ દારૂની હેરાફેરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા કુલ પાંચ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં એક ટાટા કંપનીની ટ્રક, એક આઇસર-૧૧૦૯ લોડિંગ વાહન, એક અર્ટીકા કાર, એક ક્રેટા કાર અને એક મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોની અંદાજિત કિંમત રૂપિયા ૩૯,૫૦,૦૦૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયા છે. આમ, પોલીસે દારૂ, વાહનો અને મોબાઇલ મળીને કુલ રૂપિયા ૫૫,૧૦,૨૮૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે માંડવીના મુખ્ય આરોપી દેવરાજ ગોપાલ ગઢવી તથા તપાસમાં ખુલે તે તમામ વાહનોના માલિકો અને ચાલકો વિરૂદ્ધ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર સફળ કામગીરી એલસીબી પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ એમ.એચ. શીણોલ તથા એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફની ટીમ દ્વારા પ્રશંસનીય રીતે પાર પાડવામાં આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM